- આખી દુનિયામાં રેર કેન્સરની આવી ગાંઠના માત્ર 75 કેસ નોંધાયા છે
- સોલામાં ચીરા વિના નાકેથી ગાંઠ કઢાઈ : આંખે દેખાવાનું ઓછું થયું હતું
- અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આ ગાંઠની સર્જરીનો પહેલો કિસ્સો
સોલા સિવિલ હોસ્પિટલમાં નાકથી મગજ સુધી પ્રસરેલી ગાંઠને સર્જરી વડે દૂર કરવામાં આવી છે, બાયોપ્સી રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, જ્વલ્લે જ જોવા મળતી નાકની એક પ્રકારની કેન્સરની ગાંઠ છે, જેને ટેરાટોકાર્સિનોમા કહેવાય છે, આ પ્રકારનો કેન્સર જે તે દર્દીના શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે અને શરીરના અંગોને રીતસર કોતરી ખાય છે. આખી દુનિયામાં અત્યાર સુધીમાં આ પ્રકારની કેન્સરની ગાંઠના 75 જેટલા કેસ સામે આવ્યા છે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આ ગાંઠની સર્જરીનો પહેલો કિસ્સો છે. નાક વડે નાનકડી ગાંઠ દૂર કરાયા બાદ દર્દીની તબિયત અત્યારે સ્વસ્થ્ય છે.
સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આ સર્જરી કરાઈ હતી, ઈએનટી વિભાગના વડાં ડો. નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, અઢી કલાકની જહેમત બાદ તબીબો અને સ્ટાફે સફળ ઓપરેશન પાર પાડયું છે. મધ્યપ્રદેશના મૂકેશ કોચલે નામના 30 વર્ષીય દર્દીની સર્જરી કરાઈ છે, આ દર્દીને આંખે સોજાની સાથે ઓછું દેખાતું થયાની ફરિયાદ હતી, ડાબી બાજુના નાકમાં ગાંઠ હતી, બે અઠવાડિયાથી નાક બંધ રહેવાની તકલીફ હતી, એટલું જ નહિ પરંતુ છીંક ખાતી વખતે નાકમાંથી લોહી પડતું હતું. સિટી સ્કેન રિપોર્ટ કરતાં ખબર પડી હતી કે, ડાબા નાકની ગાંઠ મગજ સુધી પ્રસરી હતી, ઓપરેશન દૂરબીન વડે કરાયું હતું અને કોઈ ચીરા વગર ગાંઠને નાકમાંથી બહાર કાઢવામાં આવી હતી, પેથોલોજી વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ સાદી ગાંઠ નહોતી પણ જવલ્લેજ જોવા મળતાં કેન્સરની ગાંઠ હતી. આ પ્રકારના કેન્સરમાં બે અઠવાડિયામાં જ નાની ગાંઠમાંથી મોટી ગાંઠ થઈ શકે છે.


