- પત્નીના ફોન જ ન ઉપાડે, વાત કરે ત્યારે છૂટાછેડાની ધમકી આપી ઝઘડા કરે
- પતિ, સાસુના ત્રાસ, વર્તનથી કંટાળેલી પરિણીતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી
- લગ્નના થોડા સમય બાદ પતિ લંડન જતો રહ્યો હતો
ન્યૂ વાસણાની પરિણિતાનો પતિ લંડન ગયા બાદ લંડન ખાતે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેની સાથે રહેવા લાગ્યો હતો. પરિણિતાને જાણ થતા તેણે ઝઘડો કર્યો ત્યારે પતિએ દહેજ પેટે રૂ.20 લાખની માંગણી કરીને હેરાન કરતો હતો. તેમજ પત્ની ફોન કરે તો પતિ ઉપાડતો ન હતો અને ઉપાડે તો મારે તો છુટાછેડા જોઇએ છે કહીને ઝઘડા કરતો હતો. જેથી કંટાળીને પરિણીતાએ પતિ અને સાસુ સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ન્યુ વાસણામાં રહેતી 29 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2017માં ભાવનગરના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ લંડન જતો રહ્યો હતો. ત્યાર બાદ મહિલા પતિને ફોન કરતી તો પતિ ફોન ઉપાડતો ન હતો અને ફોન ઉપાડે તો મારે તારી સાથે છુટાછેડા જોઈએ છે તેમ કહીને ઝઘડો કરતો હતો. થોડા સમય પછી પતિ લંડનથી પરત ભારત આવ્યો હતો અને મહિલા તથા તેની પુત્રીને લઈને લંડન ગયો હતો. મહિલા લંડન પહોંચી ત્યારે તેને જાણવા મળ્યુ હતુ કે, પતિને લંડન ખાતે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે અને પતિ તેની સાથે જ રહે છે. જેથી મહિલાએ આ અંગે પતિને પૂછતા ઝઘડો કર્યો હતો. જેથી મહિલા પુત્રીને લઇને ભારત આવી ગઇ હતી. બાદમાં પતિને ફોન કર્યો ત્યારે પતિએ તું રૂ.20 લાખ દહેજ પેટે આપીશ તો જ તને રાખીશ નહીતર તને હું રાખીશ નહીં તેમ જણાવ્યુ હતુ.


