- તુવેરની આવકો વધી છતાં તેનો ભાવ ન ઘટતાં લીલવાની કચોરીના ભાવ ઊંચા
- શિયાળાના ફેવરિટ તુવેર, પાપડીના ઊંચા ભાવોનું વલણ એમનું એમ
- ટામેટા, દેશી કાકડી, ભીડા સહિતના ભાવો ઘટયા નથી
શિયાળામાં લીલા શાકભાજીની આવક વધતા ભાવ ઘટવાનું નામ લેતુ નથી. જેના કારણે ઊંધિયાનું શાક બનાવવાનું મોંઘુ પડશે. શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા મળતા હોય છે પરંતુ હાલમાં લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. ડુંગળીનો પાક વધુ થયો હોવા છતા રિટેઈલમાં રૂ.70 કિલો મળી રહી છે. સામાન્ય દિવસોમાં લસણ રૂ.120 કિલો મળતુ હતુ તે અત્યારે રૂ. 320થી 400 કિલો મળી રહ્યુ છે. એમાંય ફોલેલુ લસણમાં કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું કેટલાક વેપારીઓ જણાવી રહ્યા છે. એટલે ઘર માટે આખુ લસણ વાપરવા માટે આગ્ર કરી રહ્યા છે. ટામેટા, દેશી કાકડી, ભીડા સહિતના ભાવો ઘટયા નથી. પરંતુ કોથમીર, મેથી, તાજેજરની ભાજી સહિતના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તુવેરની આવક વધુ થઈ હોવા છતા તેના ભાવમાં કોઈ ઘટાડો નહીં થતા લીલવાની કચોરીના ભાવ રૂ.400થી 500 રૂપિયા કિલો મળી રહી છે.
મરચા રૂ.40ના કિલો મળી રહ્યા છે. ટામેટા, લીંબુ, બટાકાના ભાવો વધ્યા પછી ઘટવાનું નામ લેતુ નથી. જ્યારે ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના પણ ભાવો વધ્યા છે. લીલા શાકભાજી, કઠોળ, લીલા રીંગણા, લીલું લસણ, ડુંગળી ઉપરાંત મૂળ શાકભાજી જેમ કે સક્કરીયા અને જાંબલી રતાળુ વધ્યા પછી ભાવો ઘટતા નથી. આ સામગ્રી ઊંધિયામાં મુખ્ય હોવાથી ઊંધિયાના ભાવ ઉત્તરાયણ ઘટી શકે તેમ નથી. હાલમાં ફરસાણ-મીઠાઈની દુકાનોમાં ઉંધિયું પ્રતિ કિલો રૂ.350થી 450ના ભાવથી વેચાણ ચાાલુ થયું છે.
ગૃહિણીઓ સુધી પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થાય છે
ખેડૂતો દ્વારા જમાલપુર શાક માર્કેટમાં શાકભાજીનું હોલસેલમાં વેચાણ થાય છે. આ શાકભાજીનું સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ થતું હતું. આ સેમી હોલસેલ માર્કેટથી ફેરિયાઓ વેચાણ કરવા લઈ જતા હોય છે. જેના લીધે ગૃહિણીઓ સુધી પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થતાં હોવાનું રાજનગર શાક માર્કેટના વેપારીએ જણાવ્યું છે. ઉત્તરાયણને લીધે ઊંધિયાની સિઝન હોવાથી ઊંધિયામાં વપરાતી શાકભાજીના ભાવો વધ્યા પછી ઘટતા નથી. રાજનગર માર્કેટથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં શાકભાજી જતી હોવાથી કેટલાક સ્થળે ડબલ ભાવ પણ વસૂલાય છે.


