- કોંગ્રેસે 3 રાજ્યોમાં મેળવ્યો પરાજય
- 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 1માં મળ્યો વિજય
- તેલંગાણામાં BRSને હરાવી કોંગ્રેસે સરકાર બનાવી
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પોતાના સંગઠનને લઈને મોટા નિર્ણયો લીધા છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. કોંગ્રેસે જીતુ પટવારીને મધ્યપ્રદેશના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે ઉમંગ સિંઘરને વિપક્ષના નેતા અને હેમંત કટાણેને વિપક્ષના ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. પટવારી અને ઉમંગ બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને દિગ્વિજય સિંહના વિરોધી છાવણીમાંથી માનવામાં આવે છે. મધ્યપ્રદેશ ચૂંટણીમાં હાર બાદથી એવી વાતો ચાલી રહી હતી કે પાર્ટીમાં મોટા ફેરફારો થશે. પટવારી કમલનાથનું સ્થાન લેશે. આ પહેલા ગોવિંદ સિંહ વિપક્ષના નેતા હતા.
કોંગ્રેસે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંતને છત્તીસગઢમાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બૈજને યથાવત રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે છત્તીસગઢમાં ભાજપના આદિવાસી સીએમ કાર્ડનો સામનો કરવા માટે કોંગ્રેસે વિપક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ બંનેને આદિવાસી સમુદાયમાંથી બનાવ્યા છે.
મહત્વનું છે કે કોંગ્રેસે ભાજપની સામે 3 રાજ્યોમાં ઘોર પરાજય મેળવ્યો હતો. લોકસભા ચૂંટણી 2024 પહેલાની સેમીફાઈનલ મનાઈ રહેલી આ ચૂંટણીઓમાં ભાજપે 3 રાજ્યોમાં વિજય મેળવ્યો છે અને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી હતી. ઓપિનિયિન પોલ્સમાં કોંગ્રેસની સ્થિતિને મજબૂત બતાવાઈ રહી હતી. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં તેને ભાજપની ટક્કરમાં બતાવાઈ હતી, પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા અને કોંગ્રેસે માતબર પરાજય મેળવ્યો હતો. જેના લીધે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને પણ કોંગ્રેસ દ્વારા સંગઠનમાં ધરખમ ફેરફારો કરાયા છે.


