- કોરોના અને શ્વસનને લગતી બીમારીઓ વધી
- કેન્દ્રના આરોગ્ય સચિવે રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને લખ્યો પત્ર
- 20 ડિસેમ્બરે આરોગ્યમંત્રીએ બોલાવી બેઠક
દેશમાં શ્વસન સંબંધી બીમારી તથા કોરોના ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં તો માસ્ક પહેરવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ મામલે હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સતર્કતાના ભાગરૂપે આરોગ્યની સેવાઓની સજ્જતા અને તે સંબંધિત માહિતી મેળવવા માટે બેઠક કરશે.
20 ડિસેમ્બરે કરશે બેઠક
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા 20 ડિસેમ્બરે કેટલાક રાજ્યોમાં કોવિડ-19 સહિત શ્વસન સંબંધી રોગોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતાની સમીક્ષા કરશે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે માંડવિયા આરોગ્ય પ્રધાનો અને વધારાના મુખ્ય મુખ્ય સચિવો (સ્વાસ્થ્ય) અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ડિજિટલ રીતે સમીક્ષા બેઠક કરશે.
JN.1નો પહેલો કેસ કેરળમાં નોંધાયો
સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્વસન રોગના કેસોમાં વધારો અને દેશમાં કોરોનાવાયરસના નવા JN.1 પ્રકારના પ્રથમ કેસની શોધ વચ્ચે સતત દેખરેખ રાખવા જણાવ્યું હતું. JN.1 વેરિઅન્ટનો ભારતનો પ્રથમ કેસ કેરળમાં 8 ડિસેમ્બરે નોંધાયો હતો. અગાઉ, તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો એક પ્રવાસી સિંગાપોરમાં JN.1 વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં કોવિડ-19 સહિત ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (ILI) અને ગંભીર શ્વસન બિમારી (SARI)ના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીની સમીક્ષા કરશે.આ સાથે જ મેડિકલ ઓક્સિજન, હોસ્પિટલના પલંગ, વેન્ટિલેટર, દવાઓ, ડાયગ્નોસ્ટિક્સ અને અન્ય વ્યવસ્થા અને દેખરેખના પગલાંની સ્થિતિનો પણ તાગ મેળવશે.
આરોગ્ય સચિવે લખ્યો છે પત્ર
કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં દેશમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 પ્રકારનો પહેલો કેસ સામે આવતાં તેમને સતત દેખરેખ રાખવા જણાવ્યું છે. પત્રમાં રાજ્યોને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શેર કરાયેલ COVID-19 માટેની સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના સંબંધિત વિગતવાર માર્ગદર્શિકાઓનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.


