- ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે અમદાવાદની યુવતીએ છેડતીની ફરિયાદ કરી છે
- હાઈકોર્ટમાં કેસની સુનાવણી પહેલાં જ કોર્ટ સંકુલમાં આપઘાતનો પ્રયાસ કર્યો
- અમદાવાદની આ મહિલા 2020માં ગજેન્દ્રસિંહના પરિચયમાં આવી હતી
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના MLA ગજેન્દ્રસિંહ પરમાર સામે એક મહિલાએ કરેલી જાતીય શોષણની ફરિયાદ મામલે સોમવારે રાજસ્થાનની જોધપુર હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પણ તે પહેલા જ ફરિયાદી મહિલાએ હાઈકોર્ટ સંકુલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદની આ મહિલા 2020માં ગજેન્દ્રસિંહના પરિચયમાં આવી હતી. બાદમાં ગજેન્દ્રસિંહ મહિલા અને તેની સગીર વયની દીકરી સાથે જેસલમેર ફ્રવા ગયા હતા. તે દરમિયાન રસ્તામાં મહિલાને ઊલટી આવતાં તે કારમાંથી ઉતરી ગઈ હતી અને તેની સગીર દીકરી કારમાં જ બેસેલી હતી. મહિલાના આક્ષેપ અનુસાર તેની સગીર દીકરી કારમાં એકલી હતી ત્યારે ગજેન્દ્રસિંહ અને તેમની સાથેના લોકોએ સગીરા સાથે બળજબરી કરી હતી. બાદમાં સગીરાએ જેસલમેર જવાનો ઈનકાર કર્યો હતો અને અમદાવાદ પરત ફરી હતી. માર્ચ, 2022માં મહિલાએ MLA સામે જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો અને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે પોલીસે મહિલાની ફરિયાદ લીધી નહોતી, જેના કારણે 2022માં જ મહિલાએ જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તે દરમિયાન મહિલાની સગીર દીકરીએ પણ તેની સાથે જબરજસ્તી થયાની વાત કરી હતી, જેથી સિરોહી કોર્ટે ગજેન્દ્રસિંહ અને તેમની સાથેના લોકો સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશનમાં MLA સામે ફરિયાદ નોંધાઇ હતી. સમગ્ર મામલે પીડિતા સોમવારે ન્યાય માટે જોધપુર હાઈકોર્ટ પહોંચી હતી અને કોર્ટમાં પ્રવેશ માટે ગેટ પાસ ઇશ્યૂ કરાવ્યો હતો પણ કોર્ટ સંકુલમાં પહોંચ્યા બાદ મહિલાએ જજને પત્ર લખીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો, જેના પગલે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જજને લખેલા પત્રમાં તેણે ગજેન્દ્રસિંહ દ્વારા ધાકધમકી અપાયાનો ઉલ્લેખ કર્યો હતો.


