- પ્લાન્ટની લાઈટો બંધ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો
- ચોકીદારના હાથ-પગ દોરીથી બાંધી દઈ માર માર્યો
- લૂંટનો ગુનો આચરીને ઓપરેટરની કારમાં તસ્કરો ફરાર થયા હતા
લખતર-વિરમગામ હાઈવે પર ગાંગડ ગામ પાસે ફીલ્ટર પ્લાન્ટ આવેલો છે. ફીલ્ટર પ્લાન્ટમાં અમદાવાદની કંપનીનો સીકયોરીટીનો કોન્ટ્રાકટ છે. જેમાં વિઠ્ઠલગઢના દેવાભાઈ ફુલાભાઈ કુકડીયા ચોકીદાર તરીકે કામ કરે છે. પ્લાન્ટમાં ચોકીદાર અને ઓપરેટરની શીફટવાઈઝ ડયુટી હોય છે. તા. 16મીએ દેવાભાઈની નાઈટ ડયુટી હોવાથી તેઓ સાંજના પ્લાન્ટે ગયા હતા. અને જમીને ખાટલામાં આરામ કરતા હતા. ત્યારે મોડી રાતના સુમારે અજાણ્યા માણસો પ્લાન્ટમાં ધસી આવ્યા હતા અને ખાટલા સહિત દેવાભાઈને ઉપાડી પ્લાન્ટના પાછળના ભાગે લઈ જઈ પંપના શટર હાઉસ પાસે લઈ ગયા હતા. જેમાં દેવાભાઈએ પ્રતીકાર કરતા આ શખ્સોએ માર માર્યો હતો અને હાથ-પગ દોરીથી બાંધી દીધા હતા. તસ્કરોએ દેવાભાઈને જબ તક હમ યહા સે જાયે નહી તબ તક કુછ બોલના નહી કહ્યુ હતુ. બાદમાં આ શખ્સોએ ટીસી નીચે ઉતારી તેના નટબોલ્ટ ખોલી ઓઈલ ઢોળી નાંખી રૂ.1.25 લાખના અંદાજે 500 મીટર કોપરવાયરની લૂંટ ચલાવી હતી. આ શખ્સો બહાર પડેલ ઓપરેટર મઘાભાઈની અલ્ટો કાર લઈને પરોઢે ફરાર થઈ ગયા હતા અને બાદમાં અલ્ટો કાર ગાંગડના રોડે 100 મીટર દુર મળી આવી હતી. સવારે બીજી શીફટના ચોકીદાર અને ઓપરેટર આવતા દેવાભાઈને મુકત કરી 108 દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
બનાવની જાણ થતા પોલીસ, એફએસએલ, ડોગસ્કવોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની ટીમ દોડી ગઈ
લખતર પોલીસ મથકે આ સનસનીખેજ લૂંટ અંગેની જાણ થતા જ લખતર પીએસઆઈ એન.એ.ડાભી સહિતનો પોલીસ કાફલો ફીલ્ટર પ્લાન્ટે દોડી ગયો હતો. જયારે ફીંગર પ્રીન્ટ એકસપર્ટ વિમલભાઈ પટેલ, ડોગ સ્કવોડના રણજીતસીંહ અને એફએસએલની ટીમોએ પણ જઈ લૂંટારાઓની ભાળ મેળવવા તપાસ આદરી હતી.
એક સપ્તાહ પહેલાં જ ચોટીલાના ચાણપામાં પણ કોપર વાયર ચોરાયો હતો
ચોટીલા તાલુકાના ચાણપા ગામે આવે પમ્પીંગ સ્ટેશનમાં પણ એક સપ્તાહ પહેલા કોપર વાયર ચોરાયો હતો. જેમાં તસ્કરો 1800 કિલો કોપર વાયર કિંમત રૂપીયા 5.10 લાખ અને પમ્પીંગ સ્ટેશનના કર્મીનો રૂપીયા પ હજારનો મોબાઈલ ચોરી કરી લઈ ગયા હતા. ત્યારે આ બન્ને ચોરીઓમાં એક જ ગેંગ હોવાનું પોલીસ હાલ માની રહી છે.


