- નાગરિકોના સ્વાસ્થ્ય અને ખેતી પાકને નુકસાન
- ગામલોકએ પ્રદૂષણ મામલે આવેદનપત્ર આપ્યું
- યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ગ્રામજનોની
કઠલાલ તાલુકામાં દિન પ્રતિદિન વધતી જતી ફેક્ટરીઓથી પ્રદૂષણ ફેલાવવાની ઘટનાઓ વધવા પામી છે. અનેક ફેક્ટરીઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની છે એક તરફ્ આ ફેક્ટરીઓના કારણે રોજગારી તો મળે છે પરંતુ ફેક્ટરીઓ દ્વારા થતા પ્રદૂષણથી ખેતી પાક અને સ્થાનિકોને સ્વાસ્થ્યનું નુકસાન પણ થઈ રહ્યું છે. સ્થાનિક નાગરિકોની રજૂઆતોની અને માંગણીઓની અવગણના કરી કેટલાક ફેક્ટરી વાળાઓ પોતાની મનમાની કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ફેક્ટરીઓ દ્વારા ફેલાતા પ્રદુષણના કારણે નાગરિકોના સ્વાસ્થ્યને હાનિ થાય તેવી શક્યતાઓ ઊભી થઈ રહી છે.
કઠલાલ તાલુકાના તાંતરીયા ગામના નાગરિકોએ એક ફેક્ટરી માંથી થતા પ્રદૂષણ મામલે ફેક્ટરી બંધ કરવા બાબતોનું આવેદનપત્ર કઠલાલ મામલતદાર કચેરી ખાતે આપ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં આવેલ ફેક્ટરી કાર્બન એટલે કે કાળો પાવડર કંપનીમાં લગાવેલ મોટા મોટા પંખાના માધ્યમથી ઉડાડી આજુબાજુમાં ફેલાવીને ગામની જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. આજુબાજુમાં આવેલ ખેતરમાં પણ ઘાસચારા પાવડર વાળા થાય છે જે ઘાસચારો દુધાળા જાનવરો ખાય અને એ જ દૂધ મંડળીના માધ્યમથી અલગ અલગ જગ્યાએ જતું હોય અને આનાથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નુકસાન થાય તો તેની જવાબદાર કોણ? તથા ગામમાં આવેલી પ્રાથમિક શાળા, દૂધ મંડળી, મંદિર તથા આજુબાજુ આવેલ ઘરોમાં પણ કાર્બન અને કાળો પાવડર ઉડીને જાય છે જે બાબતે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ગ્રામજનોની છે. જે મામલે આવેદન પત્ર આપ્યું છે. તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમો ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.


