- ભારત સ્વતંત્ર થયો ત્યારથી જ દેશમાં આતંકવાદ શરૂ થઈ ગયો હોવાનો વિદેશપ્રધાનનો દાવો
- વિદેશપ્રધાને મુંબઇ પર થયેલા 26/11ના આતંકવાદી હુમલાને ટર્નિંગ પોઇન્ટ સમાન ગણાવ્યો
- મુંબઇ હુમલાના ક્રૂર સત્ય અને તેના ખોફનાક પ્રભાવને જોતા પહેલા ઘણાં બધા લોકો ભ્રમમાં હતા
કેન્દ્રીય વિદેશપ્રધાન એસ.જયશંકરે શનિવારે કહ્યું હતું કે સરહદ પાર આતંકવાદનો મુકાબલો કરતી વખતે ભારત પોતાનો બીજો ગાલ આગળ કરવાના મૂડમાં નથી. જયશંકરે કહ્યું હતું કે અમારો દેશ સ્વતંત્ર થયો ત્યારથી જ દેશમાં આતંકવાદ શરૂ થઈ ગયો હતો. મીડિયાને સંબોધતા વિદેશપ્રધાને કહ્યું હતું કે અમારી આઝાદીના સમયથી જ આતંકવાદ શરૂ થઈ ગયો હતો જ્યારે કથિત હુમલાખોર પાકિસ્તાનથી આવ્યા હતા. અમે પહેલા દિવસથી જ આતંકવાદનો સામનો કર્યો છે. વિદેશપ્રધાને કહ્યું હતું કે આજે આ દેશમાં શું બદલાઈ ગયું છે? મને લાગે છે કે 26/11નો હુમલો એક ટર્નિંગ પોઇન્ટ હતો. મુંબઇ હુમલાના ક્રૂર સત્ય અને તેના ખોફનાક પ્રભાવને જોતા પહેલા ઘણાં બધા લોકો ભ્રમમાં હતા. તેમણે કહ્યું હતું કે કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ આગળ ધરી દો, તે નીતિ હવે કામ કરવાની નથી.
આતંકનો જવાબ આપવો જોઈએ
જો કોઈ સરહદ પારથી આતંક ફેલાવી રહ્યું હોય તો તમારે તેનો જવાબ આપવો જોઈએ, તેમણે તેની કિંમત ચૂકવવી જોઈએ. વિદેશપ્રધાનની આ ટિપ્પણી કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આવી છે. આ ઘટનામાં આતંકવાદીઓએ સેનાના વાહનોને નિશાન બનાવ્યા હતા અને હુમલા બાદ આતંકવાદીઓએ જવાનોના કથિત રીતે હથિયાર પણ ઝૂંટવી લીધા હતા.


