- રૂટીન પેટ્રોલિંગ દરમિયાન નકસલીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો
- નક્સલવાદીઓ પોતાના મૃત સાગરીતોની લાશ લઈને જંગલમાં ભાગી ગયા
- હુમલામાં સુરક્ષાદળના જવાનોને કશું નુકસાન થયું હોવાના સમાચાર નથી
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાંસલ થઈ છે. એક એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓને ઠાર કરાયા છે. અથડામણ બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હુમલામાં સુરક્ષાદળના જવાનોને કશું નુકસાન થયું હોવાના સમાચાર નથી. આ એન્કાઉન્ટર એવા સમયે થયું હતું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય પીએમ નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાત પણ લીધી હતી.
છત્તીસગઢમાં સુકમાના ગોગુંદા વિસ્તારમાં સુરક્ષા જવાનો પર નક્સલીઓએ હુમલો કર્યો હતો. ભારતીય સુરક્ષા દળના જવાબી હુમલામાં ચાર નક્સલીઓનો ખાત્મો કરાયો હતો. આ ઓપરેશનમાં સુકમા અને દંતેવાડા જિલ્લાના રિઝર્વ ગ્રૂપ અને સીઆરપીએફની બીજી અને 111મી બટાલિયને નક્સલીઓનો સામનો કર્યો હતો. ગોગુંદા જિલ્લામાં નિયમિત ફેરી અને તલાશી અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે જવાનોની નજર નક્સલીઓ પર પડી હતી.
બાદમાં સામસામા ભીષણ ગોળીબાર થયા હતા. જેમાં ચાર નક્સલીઓને ઠાર કરાયા હતા. જોકે, બાકીના નક્સલીઓ પોતાના મૃત સાથીઓને ઉપાડીને જંગલમાં ભાગી ગયા હોવાનું અનુમાન છે. નક્સલીઓના ગોળીબારમાં સુરક્ષાદળના જવાનોને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ મળ્યા નથી.
ભારે માત્રામાં વિસ્ફોટક પકડાયા હતા
સુકમા જિલ્લામાં કોત્તાપલ્લી અને નાગારામનાં જંગલોમાં બુધવારે રાત્રે પોલીસ અને નક્સલીઓની અથડામણ થઈ હતી. પોલીસે નક્સલીઓના કેમ્પને ધ્વસ્ત કરી નાખ્યો હતો. આ કેમ્પ સ્થળેથી પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. પોલીસે પાંચથી છ નક્સલીઓ ઘાયલ થયા હોવાનો દાવો કર્યો હતો.


