- સેનાની ટુકડીઓના કમાન્ડરો સાથે વાતચીત કરીને માહિતી મેળવી
- ત્રણ નાગરિકોની હત્યાના સંદર્ભમાં બ્રિગેડિયર સ્તરે હાથ ધરવામાં આવેલી તપાસ
- આ ઉપરાંત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે
જમ્મુ કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલાઓ વચ્ચે ભારતનાં આર્મી ચીફ મનોજ પાંડેએ સોમવારે રાજૌરી અને પુંછની મુલાકાત લીધી હતી. તેમણે આર્મીનાં જવાનો દ્વારા આતંકવાદ રોકવા માટેનાં અભિયાનની અને આતંકીઓને શોધવા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનની સમીક્ષા કરી હતી. આર્મી ચીફ દ્વારા જુદાજુદા સ્થળે તહેનાત કરવામાં આવેલી સેનાની ટુકડીઓનાં કમાન્ડરો સાથે વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે વધારે આક્રમક રીતે આર્મીનું મિશન તેમજ ઓપરેશન ચલાવવા આદેશો આપ્યા હતા. સેનાનાં જવાનોને તમામ પડકારોનો મજબૂત રીતે સામનો કરવા પ્રોત્સાહન આપ્યું હતું. આર્મી હેડક્વાર્ટર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન જવાનો પર હુમલો કરીને ફરાર થઈ ગયેલા આતંકીઓને શોધવા માટે આર્મી દ્વારા મોટાપાયે સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આતંકીઓએ 21મીએ ડેરા કી ગલીમાં હુમલો કર્યો હતો જેમાં 5 જવાનો શહીદ થયા હતા. ઘટનાની તપાસ માટે આર્મી દ્વારા 8 શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી જે પૈકી 3 સ્થાનિક નાગરિકોનાં મૃતદેહ આતંકી હુમલાનાં ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. 3 નાગરિકોની કોણે શા માટે હત્યા કરી તેની તપાસ બ્રિગેડીયર સ્તરનાં આર્મી અધિકારીને સોંપવામાં આવી છે. જવાદાર અધિકારીઓનાં વિસ્તારોમાં આર્મીનાં જવાનો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેની તપાસ કરીને હુમલાની ઘટનાઓ બંધ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે. હુમલાનાં સ્થળે તેમજ ડેરા કી ગલી અને બાફલિયાઝનાં જંગલ વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ વધારાયું છે. આ ઉપરાંત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે.


