- કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કર્યો પ્રહાર
- CPI(M)ના બ્રિન્દા કરાતે રામ મંદિર ન જવા આપ્યુ હતું નિવેદન
- મીનાક્ષી લેખિએ આડકતરી રીતે આપ્યો જવાબ
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી ન આપવા મુદ્દે સીપીઆઈના નિર્ણય પર આડકતરી રીતે ટીકા કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે દરેકને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ માટે ભગવાન રામ દ્વારા બોલાવવામાં આવેલા લોકો જ અયોધ્યા પહોંચશે.
શું કહ્યું હતું CPI નેતાએ ?
મહત્વનું છે કે વરિષ્ઠ CPI(M) નેતા બ્રિન્દા કરાતે કહ્યું હતું કે તેમની પાર્ટી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પોતાના એક નિવેદનમાં બ્રિન્દા કરાતે કહ્યું કે અમે લોકોની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ ભાજપ ધર્મને રાજકારણ સાથે જોડી રહી છે. આ ધાર્મિક કાર્યક્રમનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ છે, તે યોગ્ય નથી. વધુમાં જણાવ્યું હતું કે રાજનીતિ અને ધર્મને અલગ-અલગ રાખવા જોઈએ.
સીતારામ યેચૂરીને અપાયુ આમંત્રણ
CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીને અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા તરફથી અભિષેક સમારોહ માટે ઔપચારિક આમંત્રણ મળ્યું હતું. ટ્રસ્ટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. પાર્ટીએ હજુ સુધી આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓની હાજરીની પુષ્ટિ કરી નથી.
22 જાન્યુઆરીએ ઐતિહાસિક દિવસ
તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા સમારોહમાં રામ લાલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેંકડો લોકો ભાગ લેશે. ટ્રસ્ટે ઉજવણી માટે તમામ સંપ્રદાયોના 4,000 સંતોને પણ આમંત્રિત કર્યા છે. ટ્રસ્ટે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12.45 વાગ્યાની વચ્ચે ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. વૈદિક પૂજારી લક્ષ્મીકાન્ત દીક્ષિત તે દિવસે અભિષેક સમારોહની મુખ્ય વિધિ કરવાના છે.


