- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
- આજે આ સિરીઝની પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાશે
- ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ આજે સેન્ચુરિયન મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કપ્તાનીમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આશા છે કે નવા કેપ્ટન સાથે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં એક નવો રેકોર્ડ બનાવશે અને નવો ઈતિહાસ રચશે.
આ બંને ટીમોનો ટેસ્ટ ઈતિહાસ માત્ર 31 વર્ષ જૂનો છે. વર્ષ 1992માં તેમની વચ્ચે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ હતી. અત્યાર સુધી આ ટીમો ટેસ્ટ ક્રિકેટમાં 42 વખત સામસામે આવી ચુકી છે. અહીં ભારતીય ટીમે 15 મેચ જીતી છે અને સાઉથ આફ્રિકાએ 17 મેચ જીતી છે. બંને વચ્ચે 10 મેચ ડ્રો પણ થઈ છે. આજ સુધી ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર એક પણ સિરીઝ જીતી નથી.
બંને ટીમો વચ્ચેના મોટા રેકોર્ડ
1. ટીમનો સર્વોચ્ચ સ્કોર: ફેબ્રુઆરી 2010માં ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચની બીજી ઈનિંગમાં, ભારતે 6 વિકેટ ગુમાવીને 643 રન બનાવીને તેનો દાવ ડિકલેર કર્યો હતો.
2. ટીમનો સૌથી ઓછો સ્કોર: ડિસેમ્બર 1996માં ડરબન ટેસ્ટની ચોથી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી.
3. સૌથી મોટી જીતઃ અહીં પણ ટીમ ઈન્ડિયાનું નામ ટોપ પર છે. ઓક્ટોબર 2019ની રાંચી ટેસ્ટમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યું હતું.
4. સૌથી નાની જીતઃ ફેબ્રુઆરી 2000માં રમાયેલી વાનખેડે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને 4 વિકેટથી હરાવ્યું હતું.
5. સૌથી વધુ રન: સચિન તેંડુલકરે ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચમાં 1741 રન બનાવ્યા હતા. તેના ખાતામાં સાઉથ આફ્રિકાના જેક કાલિસ (1734) કરતા 7 રન વધુ છે.
6. સૌથી મોટી ઇનિંગ્સઃ વિરેન્દ્ર સેહવાગ અહીં નંબર-1 છે. તેણે માર્ચ 2008ની ચેન્નાઈ ટેસ્ટમાં 319 રનની ઇનિંગ રમી હતી.
7. સૌથી વધુ સદી: અહીં સચિન તેંડુલકર અને જેક કાલિસ વચ્ચે ટાઈ થઈ છે. બંને દિગ્ગજોએ 7-7 સદી ફટકારી છે.
8. સૌથી વધુ વિકેટ: અનિલ કુંબલેએ ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચમાં 84 વિકેટ લીધી છે. બીજા ક્રમે ડેલ સ્ટેનના ખાતામાં 65 વિકેટ છે.
9. શ્રેષ્ઠ બોલિંગ ઇનિંગ્સઃ સાઉથ આફ્રિકાના એલન ડોનાલ્ડે ડિસેમ્બર 1992માં ગકેબરહા ટેસ્ટમાં 139 રન આપીને 12 વિકેટ લીધી હતી. આર અશ્વિને નવેમ્બર 2015માં નાગપુર ટેસ્ટમાં 98 રન આપીને 12 વિકેટ પણ લીધી હતી.
10. સૌથી મોટી પાર્ટનરશિપ: રોહિત શર્મા અને મયંક અગ્રવાલે વિશાખાપટ્ટનમ ટેસ્ટ (ઓક્ટોબર 2019)માં પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશિપ કરી હતી.


