- મંગળવારે INS Imphal નૌસેનામાં કમિશન કરાયું
- કમિશનિંગ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે આપ્યું નિવેદન
- “ભારતીય નૌસેનાએ સમુદ્રમાં સર્વેલન્સ વધારી દીધું”
શનિવારે ભારત આવી રહેલા મર્ચન્ટશિપ પર ડ્રોન હુમલાને લઈને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, આ હુમલો કરનારાઓને અમે દરિયાના પેટાળમાંથી પણ શોધી કાઢીશું.
મંગળવારે INS Imphalને કમિશન કરવાના કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આજકાલ દરિયામાં દરમિયાનગીરી કઈક વધારે જ વધી ગઈ છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતની કેટલીક શક્તિઓને ઈર્ષ્યા અને દ્વેષથી ભરી દીધી છે. અરબ સાગરમાં તાજેતરમાં થયેલ એમવી કેમ પ્લૂટો મર્ચન્ટશિપ પર થયેલ ડ્રોન હુમલો અને થોડા દિવસ પહેલા લાલ સાગરમાં એમવી સાઈ બાબા જહાજ પર થયેલ હુમલાને ભારત અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, “ભારતીય નૌસેનાએ સમુદ્રમાં સર્વેલન્સ વધારી દીધું છે. આ હુમલો કરનારાઓને અમે દરિયાના પેટાળમાંથી પણ શોધી કાઢીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
સમુદ્રી રસ્તાઓને સુરક્ષિત રાખવામાં આવશે: રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે ભારત સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં (IOR)માં Net Security Provider ની ભૂમિકામાં છે. અમે સુનિશ્ચિત કરીશું કે આ વિસ્તારમાં થતાં દરિયાઈ વેપાર પોતાની સર્વોચ્ચ ઊંચાઈ પ્રાપ્ત કરે. આ માટે, અમે મિત્ર દેશો સાથે મળીને Sea Lanes ને maritime commerce માટે સુરક્ષિત અને સલામત રાખવા માટે કામ કરીશું.
શનિવારે, અરબી સમુદ્રમાં ‘એમવી કેમ પ્લુટો’ પર ડ્રોન હુમલાના સમાચાર મળ્યા હતા. આ જહાજ સાઉદી અરેબિયાના એક બંદરેથી ભારતના મેંગલોર આવી રહ્યું હતું. આ હુમલો ગુજરાતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ મુજબ, આ વેપારી જહાજમાં માસ્ટર સહિત 21 ભારતીય અને 1 નેપાળી નાગરિક સવાર હતા. ડ્રોન હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી, પરંતુ સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
હુમલા માટે ઈરાન જવાબદાર: અમેરિકાનો દાવો
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ડ્રોન હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. એમવી કેમ પ્લુટો નામનું આ જહાજ જાપાનની કંપનીની માલિકીનું હતું અને તે લાઇબેરીયન ધ્વજ સાથે નેધરલેન્ડથી સંચાલિત હતું.


