- મધ્ય કોંગોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું
- બચી ગયેલાઓની શોધ માટે બચાવ પ્રયાસો તેજ
- દિવાલ ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા:પ્રાંતીય ગવર્નર જ્હોન કાબેયા
મધ્ય કોંગોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. જેમાં એક જ પરિવારના 10 લોકો સામેલ છે એક સ્થાનિક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. પ્રાંતીય ગવર્નર જ્હોન કાબેયાએ જણાવ્યું હતું કે, કસાઈ સેન્ટ્રલ પ્રાંતના કનાંગા જિલ્લામાં કલાકો સુધી ચાલેલા વરસાદે અનેક મકાનો ધરાશાયી કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે બચી ગયેલાઓની શોધ માટે બચાવ પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. શરૂઆતમાં નોંધાયેલા 17 મૃત્યુ સિવાય મંગળવારે વધુ 5 મૃત્યુની પુષ્ટિ થઈ છે. કાબેયાએ જણાવ્યું હતું કે દિવાલ ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા હતા જે બિકુકુમાં એક જ પરિવારના તમામ સભ્યો હતા.
પૂર અને ભૂસ્ખલનમાં 400 લોકોના મોત થયા
એનજીઓ હેન્ડ ઇન હેન્ડ ફોર ઇન્ટિગ્રલ ડેવલપમેન્ટના કન્ટ્રી ડાયરેક્ટર નથાલી કમ્બલાના જણાવ્યા અનુસાર પૂરને કારણે ભારે નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે કોંગોના કેટલાક ભાગોમાં ખાસ કરીને દૂરના વિસ્તારોમાં વારંવાર પૂર આવે છે. મે મહિનામાં પૂર્વી કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં રાતોરાત મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત થયા હતા.
અત્યાર સુધીમાં 20 લોકો ગુમ
કાબેયાએ જણાવ્યું હતું કે આ વખતે પૂરમાં જે બાંધકામોને નુકસાન થયું છે તેમાં કાનંગાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ ટેક્નોલોજી તેમજ એક ચર્ચ અને એક મુખ્ય રસ્તો છે જે કાપી નાખવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવશે. રવિવારે મોડી રાત્રે પૂર્વી કોંગોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું જેમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા અને 20 લોકો ગુમ થયા હતા.


