- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ
- કેએલ રાહુલે બનાવ્યા 105 બોલમાં અણનમ 70 રન
- કેએલ રાહુલને ‘સાત’ નંબર સાથે અદભૂત સંયોગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. આ મેચમાં કેએલ રાહુલ સિવાય અન્ય બેટ્સમેનો આફ્રિકન બોલરોની સામે રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. છઠ્ઠા સ્થાને બેટિંગ કરતી વખતે કેએલ રાહુલે 105 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ફોર અને 2 સિકસ ફટકારી હતી. કેએલ રાહુલ શાનદાર ઈનિંગ રમીને ભારત માટે સંકટ મોચન બન્યો છે.
રાહુલને ‘સાત’ નંબર સાથે અદભૂત સંયોગ
કેએલ રાહુલની ક્રિકેટ કારકિર્દીમાં 7 નંબર સાથે અદ્ભુત જોડાણ છે. તેણે દેશ માટે અત્યાર સુધીમાં કુલ 47 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 47 ના અંતે પણ 7 આવે છે. આ સિવાય તે ટેસ્ટ ફોર્મેટમાં કુલ 7 વખત ‘શૂન્ય’ના સ્કોર પર આઉટ થયો છે. આટલું જ નહીં તે 7વખત 2 અને 7 વખત 10 રન પર આઉટ થયો છે. ખાસ વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટમાં રાહુલે અત્યાર સુધીમાં કુલ 7 સદી ફટકારી છે.
રાહુલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
કેએલ રાહુલે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 195 મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન 220 ઇનિંગ્સમાં તેના બેટથી 7797 રન બનાવ્યા છે. રાહુલે ટેસ્ટ ક્રિકેટની 82 ઇનિંગ્સમાં 34.33ની એવરેજથી 2712 રન, ODIની 70 ઇનિંગ્સમાં 50.36ની એવરેજથી 2820 રન અને T20ની 68 ઇનિંગ્સમાં 37.75ની એવરેજથી 2265 રન બનાવ્યા છે.
રાહુલની IPL કારકિર્દી
રાહુલના IPL કારકિર્દીની વાત કરીએ તો તે દેશની આ પ્રતિષ્ઠિત લીગમાં અત્યાર સુધીમાં 118 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 109 ઇનિંગ્સમાં 46.78ની એવરેજથી પોતાના બેટથી 4163 રન બનાવ્યા છે. IPLમાં તેના નામે ચાર સદી અને 33 ફિફ્ટી છે.


