- રાજૌરી-પુંછ હુમલાની પૂછપરછ કરવા 3 ની કરી હતી અટકાયત
- ત્રણેય શખ્સોના થયા હતા શંકાસ્પદ મોત, 4 હોસ્પિટલમાં દાખલ
- “દેશ સેવાની સાથે દિલ જીતવાનું કામ પણ જવાનોની જવાબદારી”
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગયા અઠવાડિયે બે સૈન્ય વાહનો પર થયેલ ઓચિંતા હુમલા બાદ સેના દ્વારા કથિત રીતે અટકાયતમાં લેવામાં આવેલા અને બાદમાં શંકાસ્પદ રીતે મોતને ભેટેલ ત્રણ લોકોના પરિવારોને ન્યાયની ખાતરી આપી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે બુધવારે બપોરે રાજૌરી જિલ્લામાં પહોંચ્યા અને ત્રણેય મૃતકોના પરિવારજનોને મળ્યા. તેમણે ‘યાતના’નો ભોગ બનેલા અન્ય 4 લોકોની તબિયતની પૂછપરછ કરવા માટે સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.
રક્ષામંત્રી પહોંચ્યા હતા હોસ્પિટલ
રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉપરાજ્યપાલની મૃતકોના પરિવાર સાથેની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ પરિષદ (DDC)ના સભ્ય, પૂર્વ ધારાસભ્ય અને નાગરિક સમાજના સભ્ય પણ હાજર રહ્યા હતા. રક્ષામંત્રી ડાક બંગલા ખાતે મૃતકોના પરિવાર સાથે મુલાકાત બાદ GMC હોસ્પિટલ પહોંચ્યા હતા. GMC હોસ્પિટલ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે જે કી થયું છે તેનો ન્યાય થશે.
21 ડિસેમ્બરના રોજ, પૂંચના સુરનકોટ વિસ્તારમાં, ઢેરા કી ગલી અને બાફલિયાઝની વચ્ચે ધત્યાર વળાંક પર આતંકવાદીઓએ સેનાના વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં 4 જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
મૃતકોની પૂછપરછ માટે કરાઇ હતી અટકાયત
હુમલા બાદ, 3 નાગરિકો, સફીર હુસૈન (43), મોહમ્મદ શૌકત (27) અને શબ્બીર અહેમદ (32)ની આ કેસમાં પૂછપરછ માટે સેના દ્વારા કથિત રીતે અટકાયત કરવામાં આવી હતી અને 22 ડિસેમ્બરે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં કથિત રીતે દેખાઈ રહ્યું છે કે તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. 4 લોકો, મોહમ્મદ ઝુલ્ફકાર, તેના ભાઈ મોહમ્મદ બેતાબ, ફઝલ હુસૈન અને મોહમ્મદ ફારુકને ગયા શુક્રવારે રાજૌરીના થાનામંડી વિસ્તારમાં સૈનિકો દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન કથિત રીતે માર મારવામાં આવ્યા બાદ તેમને જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હજુ ચાલી રહી છે આતંકીઓની શોધખોળ
ડાક બંગલામાં આયોજિત બેઠક દરમિયાન હાજર રહેલા પૂર્વ વિધાન પરિષદના સભ્ય (MLC) શહનાઝ ગણાઈએ જણાવ્યું હતું કે, “રક્ષા મંત્રી માર્યા ગયેલા લોકોના પરિવારજનો, નાગરિક સમાજના સભ્યો સાથે મુલાકાત કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.” ગણાઈએ વધુમાં કહ્યું કે તેમને આશા છે કે પીડિત પરિવારોને ન્યાય મળશે અને રક્ષામંત્રી આ લોકોનું દુઃખ વહેંચવા, તેમને સાંત્વન આપવા અને આશ્વાસન આપવા આવ્યા હતા.
તેમણે કહ્યું કે જ્યારે અમે આ ઘટનાની નિંદા કરતાં અમે અમારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમના પરિવારો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે રાજૌરી-પૂંછના લોકો દેશની અંદર કે બહારના અરાજક તત્વોને આવી ઘટનાઓનો લાભ ઉઠાવવા દેશે નહીં.
રાજનાથ સિંહે સેનાને આપી સતર્ક રહેવાની સલાહ
સેના દ્વારા પૂછપરછ દરમિયાન અટકાયતમાં લીધા બાદ મોતને ભેટેલ ત્રણ નાગરિકોનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતાં રક્ષામંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું હતું કે જવાનો દેશને સુરક્ષિત રાખવાનું કામ કરે છેઃ જેમાં તેમનાથી ક્યારેક-ક્યારેક આ પ્રકારની ભૂલ પણ થઈ જાય છે, જે ન થવી જોઈએ. સુરક્ષાની સમીક્ષા કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચેલા રક્ષામંત્રીએ કહ્યું હતું કે દેશની સુરક્ષાનું પોતાનું કર્તવ્ય નિભાવતા દેશના લોકોનું દિલ જીતવાની પણ સૈનિકોની જવાબદારી છે.


