- રેલવે સ્ટેશન બાદ હવે બદલાયું અયોધ્યા એરપોર્ટનું નામ
- 11 જાન્યુઆરીથી અમદાવાદ અયોધ્યા વચ્ચે શરૂ થશે ફ્લાઇટ્સ
- 6 જાન્યુઆરીથી દિલ્હી અયોધ્યા વચ્ચે ડેઇલી ફ્લાઇટ્સ
અયોધ્યામાં રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેનું નામ બદલીને હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું. અગાઉ અહીંના રેલ્વે સ્ટેશનનું નામ અયોધ્યા જંકશનથી બદલીને અયોધ્યા ધામ કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, 11 જાન્યુઆરી, 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ્સ ઓપરેશન શરૂ થશે. પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. 6 જાન્યુઆરીએ પહેલી ફ્લાઈટ દિલ્હીથી સવારે 11.55 વાગ્યે ઉપડશે અને બપોરે 1.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઈટ અયોધ્યાથી બપોરે 1.45 વાગ્યે ઉપડશે અને બપોરે 3 વાગ્યે દિલ્હી પહોંચશે.
ઈન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરીથી દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી વચ્ચેની દૈનિક ફ્લાઈટ્સ એક જ સમયે ઓપરેટ થશે. અમદાવાદથી અયોધ્યા અને અયોધ્યાથી અમદાવાદની ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઓપરેટ થશે.
11 જાન્યુઆરીએ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ફ્લાઇટ ઉપડશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઇટ 11.30 કલાકે અયોધ્યાથી નીકળશે અને 1.40 કલાકે અમદાવાદ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી અયોધ્યાનું અંતર ફ્લાઇટ દ્વારા 1 કલાક 20 મિનિટમાં કાપવામાં આવશે.


