- સિરાજે ભારતીય ટીમ માટે ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું
- ‘રામ સિયા રામ’ ભજન વાગતા સૌનુ ધ્યાન કોહલી પર ગયુ
- વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજને આપ્યો ગુરૂમંત્ર
ભારતીય ટીમે કેપટાઉન ટેસ્ટના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમને સંપૂર્ણ રીતે બેકફૂટ પર ધકેલી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ વિસ્ફોટક બોલિંગનું પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકાને 55 રનના કુલ સ્કોર પર આઉટ કરી દીધું. આફ્રિકાની ટીમ પહેલા સેશનમાં જ આઉટ થઈ ગઈ હતી. સિરાજે ભારતીય ટીમ માટે ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું અને 6 વિકેટ લીધી. જ્યારે કેશવ મહારાજ બેટિંગ કરવા આવે છે, ત્યારે સ્ટેડિયમમાં તેમના માટે ‘રામ સિયા રામ’ ભજન વગાડવામાં આવે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું પરંતુ ધ્યાન કોહલી પર આવ્યું.
કોહલીએ ચલાવ્યું તીર
જ્યારે આ ભજન વગાડવામાં આવ્યું ત્યારે વિરાટ કોહલીએ ભગવાન શ્રી રામની જેમ તીર ચલાવવાનો ઈશારો કર્યો અને તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. કોહલીએ પ્રભુને હાથ જોડીને સલામ પણ કરી હતી. એક રીતે તેણે ભગવાનની માફી માંગી કે હું તમારી સમકક્ષ નથી, એમ જ મેં તીર છોડવાનો ઇશારો કર્યો હતો.
ભારતીય બોલરોનો તરખાટ
ભારતીય ટીમના ખેલાડીઓ મેદાન પર ઘણા ખુશ દેખાતા હતા. દરેક જણ ખુશ હતા કારણ કે સિરાજની તીક્ષ્ણ બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ ટકી ન શકી અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી. સિરાજે 6 વિકેટ ઝડપી હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. સિરાજ ઉપરાંત બુમરાહ અને મુકેશ કુમારે પણ ભારતીય ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ મળીને 2-2 વિકેટ લીધી હતી. ઉલ્લેખનિય છેકે મુકેશ કુમારે 2.2 ઓવરમાં 0 રન આપીને 2 વિકેટ ખેરવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ વખત ભારત સામે આટલો શરમજનક સ્કોર બનાવ્યો છે.
કોહલીએ સિરાજને આપ્યો ગુરૂમંત્ર
સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી પોતાના સાથી ફાસ્ટ બોલર સિરાજને ખાસ ગુરુમંત્ર આપતા જોવા મળી રહ્યા છે. સિરાજે સ્લિપમાં ઉભેલા વિરાટની સલાહ માની લીધી અને પોતાનો પંજો ખોલ્યો.
વાસ્તવમાં સિરાજે 16મી ઓવરના બીજા બોલ પર ડેવિડ બેડિંગહામને પેવેલિયન મોકલ્યો. આ પછી જ્યારે નવો બેટ્સમેન માર્કો જેન્સન બેટિંગ કરવા આવ્યો ત્યારે વિરાટ સિરાજને ગુરૂમંત્ર આપતા જોવા મળ્યો હતો. વિરાટે સિરાજને કહ્યું કે તેણે ક્યાં બોલિંગ કરવી જોઈએ. સિરાજે પણ પોતાના પૂર્વ કેપ્ટનના કહેવા પર આવું જ કર્યું. આ પછી, પ્રથમ બોલ પછી સિરાજે જેન્સનને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલી દીધો. સિરાજે આ ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી.


