- ITના નવા નિયમને કારણે વેપારીઓની હાલત કફોડી બનશે
- MSMEમાં નોંધાયેલા પાસેથી ખરીદનાર વેપારીઓ માટે નિયમ લાગુ
- સામાન્યતઃ વેપારીઓમાં પેમેન્ટનો ધારો 90 દિવસનો
એમએસએમઇ (મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇસીસ)માં સમાવેશ કરાયેલા વેપારીઓ પાસેથી ખરીદ વેચાણનો વેપાર કરનારે 45 દિવસમાં નાણાં ચૂકવ્યા નહીં હોય તો તે વેપારી પાસેથી ત્યાર બાદ નાણાં સ્વીકારાયા હશે તો તે તમામ રકમ વેપારીની આવકમાં ગણવાનો નિયમ ઇન્કમટેક્સમાં લાગુ થયો છે. તેના લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપારીઓની હાલત સૌથી વધુ કફોડી બનવાની છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વેપાર કરનાર 80 ટકાથી વધુ વેપારીઓ એમએસએમઇના દાયરામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં તો 90 ટકા વેપારીઓ એમએસએમઇમાં આવે છે. આ વેપારીઓએ માલ વેચ્યા બાદ બનાવેલા બિલની રકમ 45 દિવસની અંદર જ સ્વીકારી લેવાની રહેશે અથવા તો વેપારીએ આપી દેવાની રહેશે. ત્યાર બાદ રકમ સ્વીકારમાં આવે તો તમામ રકમ વેપારીની આવકમાં ગણાશે. તેના કારણે પરિસ્થિતી એવી થવાની છે કે સમગ્ર વર્ષ દરમિયાન વેપારીએ જે પણ નફો રળ્યો હશે તેના કરતા વધુ રકમ ઇન્કમટેક્સના ટેક્સ પેટે ભરવાની સ્થિતિ ઊભી થઈ શકે તેમ છે. જોકે આ માટે આગામી 31 માર્ચ 2024 પહેલા પોતાની બેલેન્સ શીટમાં આવી તમામ બાબતોનુ ખાસ ધ્યાન રાખવી પડે તેવી વિગતો વેપારીઓને મળતાની સાથે હવે શું કરવુ તેની મથામણમાં લાગી ગયા છે.
સામાન્યતઃ વેપારીઓમાં પેમેન્ટનો ધારો 90 દિવસનો
સુરતના વેપારીએ માલ વેચ્યો હોય અથવા તો ખરીદી કર્યો હોય તેવા સંજોગોમાં સામેવાળાને 90 દિવસે જ નાંણાની ચુકવણી કરવામાં આવતી હોય છે. કેટલીક વખત તો વેપારીઓને 120 દિવસે નાંણા આપવાનો પણ વાયદો કરવામાં આવે છે. આજ કારણોસર સુરતના વેપારીઓ પાસેથી માલ ખરીદીને તાત્કાલિક નાણાં ચૂકવવામાં આવે અથવા તો 15 દિવસમાં નાંણા આપી દેવામાં આવે તો 2થી લઇને 5 ટકા સુધી બિલ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવતુ હોય છે. આજ કારણોસર ઇન્કમટેક્સના નવા નિયમથી વેપારીઓમાં અસમંજસની સ્થિતી પેદા થઇ છે.


