- જમ્મુ કાશ્મીરમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ
- ગઇ કાલ રાતથી ચાલી રહ્યું છે અથડામણ
- કુલગામમાં સેના કરી રહી છે સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સ્થાનિક પોલીસ અને ભારતીય સેના અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે હાલ કુલગામ જિલ્લાના હદીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.શિયાળાની શરૂઆત થતાની સાથે જ આતંકવાદીઓએ પોતાના નાપાક પ્લાનને અંજામ આપવા માટે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી શરૂ કરી દીધી છે.
CRPFના અધિકારીઓ ઘટનાસ્થળે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના હડીગામ વિસ્તારમાં હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ, આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓ ઘટનાસ્થળે છે. કુલગામ જિલ્લાના હડીગામ વિસ્તારમાં આતંકી અથડામણ થઇ હતી. હાલમાં પણ કુલગામ પોલીસ, આર્મી અને CRPF દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
કાશ્મીર ઝોન પોલીસે આપી માહિતી
કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘કુલગામ જિલ્લાના હદીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. કુલગામ પોલીસ, આર્મી અને સીઆરપીએફએ આતંકીઓ સામે મોરચો જાળવી રાખ્યો છે. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાત્રે 10.30 વાગ્યે આ ટ્વિટ કર્યું હતું. જો કે હાલમાં પણ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ જોવા મળી છે.
આતંકવાદ સામે સેના એક્ટિવ
ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓની સાથે તેમને મદદ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુધવારે (3 જાન્યુઆરી), ગાંદરબલ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આતંકવાદના આરોપીની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી હતી. લતીફ અહેમદ કામ્બેની 10 મરલા જમીન એટેચ કરવામાં આવી છે. આરોપી હાલ તે શ્રીનગર જેલમાં બંધ છે. તેમની સામેના કેસની સુનાવણી ચાલી રહી છે. સેનાના જવાનો કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓની આશંકા પર તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યા છે. શિયાળાના આગમનની સાથે જ પાકિસ્તાન તરફથી પણ ઘૂસણખોરી વધી જાય છે. આ કારણે જવાનોએ વધુ સાવધ રહેવું પડશે. આવી સ્થિતિમાં કાશ્મીરના જંગલોમાં પણ સેનાના જવાનો સક્રિયપણે સર્ચ ઓપરેશન ચલાવતા રહે છે. નિયંત્રણ રેખા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, જેથી ઘૂસણખોરી અટકાવી શકાય.


