- એફોર્ડેબલ પ્રાઇસ ગ્રોથ ડ્રાઇવર બની રહેશે
- અમદાવાદનું રીઅલ એસ્ટેટ માર્કેટ ભારતનું સૌથી વધુ એફોર્ડેબલ શહેર છે
- 16% સાથે કોલકાતા પહેલા ક્રમે છે જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે
મકાનોના વેચાણમાં વૃદ્ધિના મામલે અમદાવાદે દેશના ટોચના અને મેટ્રો શહેરોને પણ પાછળ રાખી દીધું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટફ્રેન્કના જાહેર થયેલા રિપોર્ટ મુજબ અમદાવાદમાં હાઉસિંગ સેલ્સ ગ્રોથ 15% રહ્યો હતો જે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ કરતાં પણ વધુ છે. દેશમાં વેચાણ ગ્રોથના મામલે 16% સાથે કોલકાતા પહેલા ક્રમે છે જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે. ટોચના 8 શહેરોમાં અમદાવાદનું રીઅલ એસ્ટેટ માર્કેટ ભારતનું સૌથી વધુ એફોર્ડેબલ શહેર છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2023 દરમિયાન અમદાવાદમાં 16,113 ઘરોનું વેચાણ થયું હતું જે 2019 પછીનું સૌથી વધુ છે. શહેરમાં હાઉસિંગ લોન્ચિંગ 8% વધીને 22, 497 યુનિટ થયા છે. આ સાથે જ 2022માં પ્રીમિયમ સેગ્મેન્ટનો વેચાણ હિસ્સો 10% હતો તે 2022માં વધીને 14% થયો છે. આ દર્શાવે છે કે, કુલ વેચાણમાં રૂ. 1 કરોડથી ઉપરના ઘરના વેચાણનો શેર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. તેવી જ રીતે રૂ. 50 લાખથી 1 કરોડના ઘરનો વેચાણ હિસ્સો 29%થી વધીને 35% થયો છે. અમદાવાદમાં રહેણાક યુનિટની સરેરાશ કિંમત 4% વધીને INR 3,031 પ્રતિ ચોરસ ફૂટ થઈ છે.
એફોર્ડેબલ પ્રાઇસ ગ્રોથ ડ્રાઇવર બની રહેશે
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ઇન્ડસ્ટ્રિયલ એન્ડ લોજિસ્ટિક્સ અને અમદાવાદ બ્રાન્ચ ડિરેક્ટર બલબીરસિંગ ખાલસાએ જણાવ્યું કે, અમદાવાદ ઐતિહાસિક રીતે અગ્રણી 8 શહેરોમાં સૌથી વધુ એફોર્ડેબલ બજાર તરીકે ઊભું રહ્યું છે. શહેરમાં કાર્યક્ષમ આયોજનનો સાબિત ટ્રેક રેકોર્ડ છે જેણે છેલ્લા ઘણા વર્ષોમાં વધતી જતી વસતીની વધતી જતી જરૂરિયાતોને અસરકારક રીતે સંતોષી છે. ઉચ્ચ પોષણક્ષમતા, પ્રતિ ચોરસ ફૂટ તુલનાત્મક રીતે નીચી કિંમતો અને સ્થાનિક આર્થિક વાતાવરણમાં સુધારો અમદાવાદના રેસિડેન્શિયલ રીઅલ એસ્ટેટ માર્કેટ માટે અનિવાર્ય ગ્રોથ ડ્રાઇવર છે અને તે પછીના વર્ષમાં બજારને ટેકો આપવા માટે મદદ કરશે.


