- શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ સહાય માટે 80 ટકા હાજરી ફરજિયાત
- 80 ટકાથી વધુ હાજરી હોવાથી હવે સહાય મળશે
- બાળકને મળતી સહાયમાં 80 ટકા હાજરીનો મુદ્દો દૂર કરવા માગ
અમદાવાદ શહેરમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા 90 હજાર જેટલા બાળકોમાંથી 15 હજાર બાળકોની હાજરી 80 ટકાથી ઓછી થતી હોવાથી તેઓને રૂ.3,000 લેખે મળતી સહાય ચુકવવામાં આવી નહોતી. 15 હજારમાંથી અંદાજે 5 હજાર જેટલા બાળકો માત્ર સ્કૂલોના પાપે જ સહાયથી વંચિત રહ્યાં છે. DEO કચેરી દ્વારા ક્રોસ વેરિફિકેશન કરાવતાં સ્કૂલોએ રજૂ કરેલ હાજરીની વિગતમા છબરડો કર્યો હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં 5 હજાર જેટલા બાળકો એવા છે કે જેઓની હાજરી 80 ટકા કરતાં વધુ થાય છે. જેથી હવે આ બાળકોને સહાય ચૂકવવા માટે DEO કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. હાજરીની વિગતોમાં છબરડો કરનારી અંદાજે 150 જેટલી શાળાઓને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે કે, હવે પછી આ પ્રકારની ભુલ આચરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. દરમિયાન અંદાજે 5 હજાર જેટલા બાળકોની હાજરીની વિગતો રજૂ કરવામાં છબરડો થયો હોવાનું ખુદ સ્કૂલો દ્વારા જ કબૂલવામાં આવ્યું છે. જેથી DEO દ્વારા હવે આ બાળકોને સહાય આપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકને મળતી સહાયમાં 80 ટકા હાજરીનો મુદ્દો દૂર કરવા માગ
આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવતાં બાળકોને રૂ.3 હજાર લેખે સ્ટેશનરી સહાય ચુકવવામાં આવે છે તેમાં 80 ટકા હાજરી હોવી ફરજિયાત છે. 80 ટકા હાજરી ન થતી હોય તે બાળકો સહાય મળવાનેપાત્ર રહેતા નથી. જેથી શિક્ષણ વિભાગ સમક્ષ માગ ઉઠી છે કે, સ્ટેશનરી પેટે મળતી સહાયમાં 80 ટકા હાજરીનો આગ્રહ રાખવો ન જોઈએ.


