- ભારતમાં શરૂ થયો માલદીવનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ
- લોકો એડવાન્સ બૂક કરેલી ટિકિટો કરી રહ્યા છે કેન્સલ
- માલદીવના નેતાઓએ પીએમ મોદી વિરુદ્ધ કરે ટિપ્પણીઓ બાદ વિવાદ
ભારત સાથે ચાલી રહેલ રાજદ્વારી વિવાદ વચ્ચે બુધવારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ મુઇજ્જુ હાલ ચીનની પાંચ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. સત્તાવાર મીડિયાએ વધુ વિગતો આપ્યા વિના કહ્યું છે કે બંને નેતાઓએ કેટલાંક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
પીએમ મોદી અને ભારતનું કર્યું હતું અપમાન
ચીનના સમર્થક ગણાતા મુઇજ્જુ એવા સમયે ચીનની મુલાકાતે ગયા છે જ્યારે માલદીવનો ભારત સાથે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં માલદીવના કેટલાક મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો પર મંત્રીઓએ વાંધાજનક ટ્વીટ કર્યા હતા. માલદીવના નેતા ઝહીર રમીઝે પીએમ મોદીના ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે, ‘તે સારું પગલું છે પરંતુ અમારી સાથે સ્પર્ધા કરવાની વાત ભ્રમ ઊભો કરે છે. ભારતના લોકોમાં આટલી સ્વચ્છતા કેવી રીતે હોઈ શકે? તેમના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે જે આ માર્ગમાં મોટો અવરોધ છે.
માલદીવ સરકારે જ કાઢી મૂક્યા પોતાના નેતાઓને
માલદીવના નેતાઓની આ પ્રકારની ટિપ્પણીઓથી મોટો વિવાદ શરૂ થઈ ગયો હતો. જોકે, બાદમાં માલદીવ સરકારે પોતે જ આ નેતાઓના નિવેદનોને સાઇડલાઇન કરી દીધા હતા અને કહ્યું હતું કે આ તેમનો અંગત વિચારો છે. માલદીવ સરકારે પોતાના નેતાઓના નિવેદનોની ટીકા પણ કરી હતી. બાદમાં, સમાચાર આવ્યા હતા કે માલદીવ સરકારે વડાપ્રધાન મોદીના વિરોધમાં અપમાનજનક ટિપ્પણી કરનાર નેતાઓને હાંકી કાઢ્યા હતા. માલદીવ એસોસિયેશન ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી (MATI)એ પણ વાંધાજનક ટિપ્પણીઓની આકરી ટીકા કરી હતી.
સોશિયલ મીડિયામાં Boycott Maldives ટ્રેન્ડમાં
ભારત સાથે વિવાદ બાદ માલદીવના પર્યટનમાં મોટું નુકશાન થવાની સંભાવના છે કારણ કે સોશિયલ મીડિયામાં Boycott Maldives ટ્રેન્ડ થવા લાગ્યું અને મોટા પ્રમાણમાં લોકો કહેવા લાગ્યા કે તેમણે માલદીવ જવાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો. મહત્વનું છે કે, માલદીવમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતથી આવે છે. અને આ વિવાદથી માલદીવના પર્યટનને મોટું નુકશાન થઈ શકે છે.
ચીની પ્રધાનમંત્રીને પણ મળશે મુઇજ્જુ
મુઇજ્જુનો ચીનનો પ્રવાસ 12 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આ પહેલા તેઓ ચીનના પ્રધાનમંત્રી લી કિયાંગ અને ચીનના અન્ય સિનિયર નેતાઓ અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. મુઇજ્જુ છેલ્લા ત્રણ દિવસથી ચીનના શહેર ફૂજિયાનમાં હતા, ગઇકાલે રાત્રે બેજિંગ પહોંચ્યા બાદ બુધવારે તેમણે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.
ભારતમાં માલદીવના બહિષ્કારના ચાલી રહેલા ટ્રેન્ડ વચ્ચે મુઇજ્જુએ ચીનને અપીલ કરી છે કે તે વધુને વધુ ચીની પ્રવાસીઓને માલદીવ મોકલે. મંગળવારે ફૂજિયાન પ્રાંતમાં માલદીવ બિઝનેસ ફોરમને સંબોધતા મુઇજ્જુએ કહ્યું, ‘કોવિડ પહેલા આપણા દેશમાં આવતા મોટાભાગના પ્રવાસીઓ ચીનના હતા. મારી વિનંતી છે કે ચીને આ માટે ફરીથી તેના પ્રયાસો વધુ તેજ કરવા જોઈએ. માલદીવના પર્યટન મંત્રાલયના ડેટા અનુસાર, 2023માં ભારત માલદીવ માટે સૌથી મોટું પ્રવાસી બજાર રહ્યું છે.


