- 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદને 15મો ક્રમ
- 40 લાખથી વધુ વસ્તીની કેટેગરીનો એવોર્ડ રખાયો ન હોવાનો મ્યુનિ.નો પાંગળો બચાવ
- તમામ શહેરોનું નેશનલ લેવલે જ રેન્કીંગ કરવામાં આવેલ
સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત AMCને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નેશનલ લેવલે સ્વચ્છ સર્વેક્ષણમાં 15મો ક્રમ મળ્યો છે. AMC દ્વારા વર્ષે દહાડે સ્વચ્છતા, સફાઈ કામગીરી પાAળ અંદાજે રૂ. 900 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં અમદાવાદ નેશનલ સ્તરે સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ 10 શહેરોમાં સ્થાન મેળવવાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદથી ઘણાં નાના સુરત શહેર સ્વચ્છ સર્વેક્ષણ માટેનો ઈન્દોર સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે અમદાવાદનો સ્વચ્છ સર્વેક્ષણમાં 1થી 10 ક્રમમાં પણ સમાવેશ થયો નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં અમદાવાદને 18મું સ્થાન મળ્યું હતું. AMC અધિકારીઓ અને શાસકોએ પાંગળો બચાવ કરતાં જણાવ્યું છે કે, 2024ના વર્ષમાં 10 લાખ અને 40 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરી રાખવામાં આવી ન હોવાથી અને તમામ શહેરોનું નેશનલ લેવલે જ રેન્કીંગ કરવામાં આવેલ હોવાથી અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણ શહેરોની યાદીમાં 15મો ક્રમ મળ્યો છે.
અમદાવાદમાં ‘ઉડીને આંખે વળગે’ તેવી સફાઈ કામગીરી જોવા મળતી નથી તેમજ પીરાણા ખાતે ખડકાયેલો કચરાના ડુંગરને કારણે અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું નથી. અમદાવાદમાં મોટાભાગે મુખ્ય રસ્તાઓ પર સફાઈ કામગીરી જોવા મળે છે તેમજ રાત્રિ સફાઈ કામગીરી થતી નથી. શહેરમાં સફાઈ કામગીરીમાં ‘સુરત મોડલ’નો અસરકારક અમલ થઈ શક્યો નથી. મ્યુનિ. શાસકોના સ્વચ્છતા કાર્યક્રમો ફોટો સેશન બની રહ્યા હોવાનો અને રાજકીય લાભ માટેના કાર્યક્રમો બની ગયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. અમદાવાદને સ્વચ્છતાની બાબતમાં પ્રથમ નંબરે લાવવા માટે શાસકોએ આત્મમંથન કરવું જોઈએ અને સ્વચ્છતાનું સ્તર કેવી રીતે સુધારવું ? તે અંગે વિચારણા કરીને અમલ કરવાની વિપક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે.


