- સતત પાંચ વર્ષથી આ સ્થાન પર જળવાઈ રહેલા એશિયન દેશો જાપાન અને સિંગાપોર પણ નંબર એક પર બિરાજમાન
- હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં પણ યુરોપના દેશોનું જોરદાર વર્ચસ્વ
- આ યાદીમાં ભારતનો ક્રમ 80મો છે
દુનિયાના સૌથી તાકાતવાન પાસપોર્ટની યાદી જાહેર થઈ ચૂકી છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 અનુસાર આ વર્ષે એક નંબર પર એક કે બે નહીં પણ કુલ છ દેશ છે. એટલે કે એક સાથે છ દેશોના પાસપોર્ટ એકસમાન તાકાતવાન છે. આ છ દેશના પાસપોર્ટ પોતાના નાગરિકોને વિશ્વના 227 ગંતવ્ય સ્થળમાંથી 194 દેશમાં કોઈપણ વિઝા વગર પ્રવેશ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જે છ દેશોએ પ્રથમ નંબર પર જગા બનાવી છે તેમાં યુરોપના ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્પેનનો સમાવેશ થાય છે. જ્યારે સતત પાંચ વર્ષથી આ સ્થાન પર જળવાઈ રહેલાં એશિયન દેશો જાપાન અને સિંગાપોર પણ નંબર એક પર બિરાજમાન છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના ટોચના 10 પાસપોર્ટમાં ફરી એકવાર યુરોપના દેશોનં વર્ચસ્વ છવાયું છે. આ યાદીમાં બીજા સ્થાન પર દક્ષિણ કોરિયાની સાથે ફિનલેન્ડ અને સ્વીડન છે જેના પાસપોર્ટ 193 દેશોમાં કોઈપણ વિઝા વગર એન્ટ્રી અપાવે છે. ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ છે, જેના પાસપોર્ટ નાગરિકોને 192 દેશમાં વિઝા વગર પ્રવેશ અપાવે છે.
આ યાદીમાં ભારતનો ક્રમ 80મો છે
ભારતને આ યાદીમાં 80મા સ્થાન પર રાખવામાં આવ્યું છે. ભારતીયો પોતાના પાસપોર્ટ મારફત હાલમાં 62 દેશોમાં કોઈપણ વિઝા વગર પ્રવેશ મેળવી શકે છે. આ દેશોમાં
થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મોરેશિયસ, શ્રીલંકા અને માલદિવ્ઝનો સમાવેશ થાય છે. બીજી તરફ પડોશી દેશોની વાત કરીએ તો ચીન 85 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશના અધિકાર સાથે પોતાના નાગરિકોને પાસપોર્ટ આપે છે અને તેનું આ યાદીમાં 62મું સ્થાન છે.
સૌથી કમજોર પાસપોર્ટની યાદીમાં પાકિસ્તાન
બીજી તરફ સૌથી નબળા પાસપોર્ટની વાત કરીએ તો તેમાં અફઘાનિસ્તાનનો ક્રમ સૌથી ઉપર છે. જો કે તેની સાથે પાકિસ્તાનનો પાસપોર્ટ પણ સૌથી નબળા પાસપોર્ટમાં આવે છે, તે આ યાદીમાં ચોથા ક્રમ પર છે. યુદ્ધ પ્રભાવિત સીરિયા અને ઇરાકના પાસપોર્ટ આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમ પર છે. સૌથી નબળા પાસપોર્ટમાં પાકિસ્તાનની સ્થિતિનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે તેના પાસપોર્ટની સ્થિતિ યુદ્ધનો સામનો કરી રહેલાં યમન અને સોમાલિયા કરતાં પણ નબળી છે. આ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના પાસપોર્ટ પણ નબળા દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે.


