- જગન્નાથ હેરિટેજ કોરિડોરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ
- 17 જાન્યુઆરીએ જગન્નાથ હેરિટેજ કોરિડોરનું થશે ઉદ્ઘાટન
- લાખો શ્રદ્ધાળુંઓ આ ભવ્ય પ્રસંગને જોવા માટે આતૂર
ઓડિશામાં આવેલા પુરીના જગન્નાથ હેરિટેજ કોરિડોરનું કામ પૂર્ણ થતા મંદિર પ્રશાસનને સોંપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયક 17 જાન્યુઆરીએ જગન્નાથ હેરિટેજ કોરિડોર ઉદ્ઘાટન કરશે. જગન્નાથ હેરિટેજ કોરિડોરને લઇ તડામારત તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
જગન્નાથ હેરિટેજ કોરિડોરનું કામ પૂર્ણ
ઓડિશાની નવીન પટનાયક સરકાર જગન્નાથ હેરિટેજ કોરિડોરના ઉદ્ઘાટનની તૈયારી કરી રહી છે. જગન્નાથ હેરિટેજ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મંદિર પ્રશાસનને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને ‘શ્રી મંદિર પરિક્રમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં પાર્કિંગની જગ્યાઓ, શ્રી સેતુ, તીર્થસ્થળો, યાત્રાળુઓની અવરજવર માટે નવો રસ્તો, શૌચાલય, ક્લોક રૂમ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
17 જાન્યુઆરીએ જગન્નાથ હેરિટેજ કોરિડોરનું થશે ઉદ્ઘાટન
આ કોરિડોરનું ઉદ્ઘાટન 17મી જાન્યુઆરીએ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આના બરાબર પાંચ દિવસ બાદ અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક વિધિ યોજાવાની છે. જગન્નાથ મંદિર એ ચાર મુખ્ય ધામોમાંનું એક છે જેની મુલાકાત દરેક હિંદુને આપવામાં આવે છે. પુરીમાં મહાપ્રભુ શ્રી જગન્નાથ, બહેન દેવી સુભદ્રા અને મોટા ભાઈ મહાપ્રભુ બલભદ્રની પૂજા કરવામાં આવે છે. જોકે મંદિરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ જગન્નાથ મંદિરની બાઉન્ડ્રી વોલના 75 મીટર કોરિડોરની અંદરનો વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે.
સાધું-સંતો અને ભક્તોમાં ઉત્સાહ
37 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં ઘણા પેટા પ્રોજેક્ટ સામેલ છે. તેમાં શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન ભવનનો પુનઃવિકાસ, 600 લોકોની ક્ષમતા ધરાવતું શ્રી મંદિર સ્વાગત કેન્દ્ર, જગન્નાથ સાંસ્કૃતિક કેન્દ્ર, બડદંડા હેરિટેજ સ્ટ્રીટ સ્કેપ, બીચ ડેવલપમેન્ટ, પુરી તળાવ અને મુસા નદી પુનર્જીવન યોજનાનો સમાવેશ થાય છે. પુરી શહેર આ દિવસોમાં એક નવું રૂપ ધારણ કરી રહ્યું છે. પૂજારીઓ અને સ્થાનિક લોકો આ ભવ્ય પ્રસંગને જોવા માટે ઉત્સાહિત છે


