- ભારતે બ્રિટિશ રાજદ્વારીની POKની મુલાકાત પર નારાજગી કરી વ્યક્ત
- UK એમ્બેસેડર જેન મેરિયટ POKના મુલાકાત પર વિરોધ નોંધાવ્યો
- ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન અસ્વીકાર્ય
ભારતે બ્રિટિશ રાજદ્વારીની POKની મુલાકાત પર નારાજગી વ્યક્ત કરી છે. UK એમ્બેસેડર જેન મેરિયટ જ્યારે POKના મીરપુરની મુલાકાત લીધી ત્યારે ભારતે વિરોધ કર્યો હતો. ભારતે તેને પોતાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય પક્ષે મેરિયટ અને યુકેના વિદેશ કાર્યાલયના અધિકારીની વાંધાજનક મુલાકાતને ગંભીરતાથી લીધી છે. ભારતે તેની પ્રાદેશિક અખંડિતતાના ઉલ્લંઘનને અસ્વીકાર્ય ગણાવ્યું છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસને આ અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે 10 જાન્યુઆરી 2024ના રોજ બ્રિટિશ વિદેશ કાર્યાલયના અધિકારી સાથે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બ્રિટિશ હાઈ કમિશનરની અત્યંત વાંધાજનક મુલાકાતને ગંભીરતાથી લીધી છે. ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું આ પ્રકારનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે.
વિદેશ સચિવે આ ઉલ્લંઘન અંગે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.
જેન મેરિયોટ કોણ છે?
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં બ્રિટિશ રાજદૂત 10 જાન્યુઆરીએ POKની મુલાકાતે ગયા હતા. બ્રિટિશ રાજદૂતનું નામ જેન મેરિયટ છે . જેન મેરિયટ પાકિસ્તાનમાં બ્રિટનના હાઈ કમિશનર છે. તે કેન્યામાં ભૂતપૂર્વ HC, યમનમાં રાજદૂત પણ રહી ચૂકી છે. આ પહેલા તે ઈરાક, અફઘાનિસ્તાન, અમેરિકા અને ઈરાનમાં પણ કામ કરી ચુકી છે.
રાજનાથ સિંહ UKના પ્રવાસે
મેરિયટ આ સમયગાળા દરમિયાન ઘણા સરકારી અધિકારીઓને પણ મળ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ પણ કરી હતી. ભારતના રક્ષા મંત્રી બ્રિટનના પ્રવાસે છે ત્યારે આ ઘટના બની છે. તેઓ PM ઋષિ સુનકને મળ્યા છે. બ્રિટિશ રાજદ્વારીની મુલાકાતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.


