- શુક્રવાર પરોઢિયે ટોમહોક મિસાઇલથી અમેરિકાએ કર્યો હુમલો
- અમેરિકી હવાઈ હુમલાનો જવાબ આપવામાં આવશે : હૂતી સૈન્ય કમાન્ડર
- સનામાં અમેરિકી હુમલાના વિરોધમાં લાખો લોકો સડક પર
અમેરિકી સેનાએ શનિવારે સવારે યમનના હૂતી બળવાખોરોના કબજામાં રહેલા ઠેકાણા પર હુમલા કર્યા હતા. હૂતી બળવાખોરો પર આમ સતત બીજા દિવસે અમેરિકી હુમલા ચાલુ રહ્યા હતા. અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ કાર્નીએ પરોઢિયે 3.45ના સુમારે ટોમહોક મિસાઇલથી હુમલો કર્યો હતો. અમેરિકી નૌકાદળ અને રોયલ નેવી જહાજ કે સબમરીન પરથી જમીન પર હુમલો કરવા આ મિસાઇલનો ઉપયોગ કરે છે. હૂતીના મીડિયા હાઉસ અલ-મસીરાહે જણાવ્યું હતું કે યમનના પાટનગર સનામાં અનેક ઠેકાણે એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. હૂતીનું રડાર મથક રાતા સાગરમાંથી પસાર થઈ રહેલા જહાજો માટે ખતરારૂપ હતું. હૂતી બળવાખોરોની સમુદ્રી હુમલા કરવાની તાકાતને તોડવા માટે આ હુમલા થયા હતા. અમેરિકી અધિકારીએ જાણકારી આપતાં કહ્યું હતું કે આ પહેલાં શુક્રવારે અમેરિકા અને બ્રિટને હૂતી બળવાખોરોની છાવણીઓને નિશાન બનાવી હતી. અમેરિકી હવાઈદળે 30 લોકેશન્સ પર આવેલા 60 સ્થાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં ખાસ કરીને હૂતીના રડારને નિશાન બનાવવામાં આવ્યા હતા. શુક્રવારે હૂતી પર હુમલો કરવા 150 મિસાઇલ અને બોમ્બનો ઉપયોગ થયો હતો. હૂતી બળવાખોરોએ અમેરિકી હુમલાનો બદલો લેવા આહ્વાન કરતાં અમેરિકી પ્રમુખ બાઇડેને ચેતવણી આપી હતી કે હૂતી બળવાખોરોને હજી વધુ હુમલાનો સામનો કરવો પડી શકે છે. અમેરિકી અને બ્રિટને હૂતી બળવાખોરો પર હુમલા કર્યા પછી અમેરિકી નૌકાદળે અમેરિકી ધ્વજ ધરાવતા જહાજોને 72 કલાક સુધી રાતા સમુદ્ર અને એડનની ખાડીમાં યમનની આસપાસના વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપી દીધી હતી. હૂતી બળવાખોરો કહ્યું હતું કે અમેરિકી નેતૃત્વમાં થયેલા હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા.
સનામાં અમેરિકી હુમલાના વિરોધમાં લાખો લોકો સડક પર
અમેરિકી હુમલા સામે વિરોધ નોંધાવવા માટે યમનના પાટનગર સના ખાતે લાખો લોકો સડક પર ઊતર્યા હતા. ઇરાનમાં પણ ગાઝા અને યમનના સમર્થનમાં લોકો દેખાવો કરી રહ્યા છે.ઇરાનમાં લોકોએ અમેરિકા,બ્રિટન અને ઈઝરાયેલના ધ્વજ બાળ્યા હતા.


