- બોપલ-ઘુમા રોડ પર ચામાચીડિયાને બચાવવા ગયેલા ફાયરમેનને કરંટ લાગવાનો મામલો
- ફાયરના અધિકારીઓ-કર્મીઓએ ગાર્ડઓફ ઓનર આપી અનિલ પરમારની અંતિમ વિદાય કરી
- પૂરતો સ્ટાફ ન હોવાથી એક નિર્દોષ કર્મચારીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો
બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે મંગળવારે સવારે હાઇટેન્શન લાઇનમાં ફસાયેલા ચામાચીડિયાને બચાવવા જતા અનિલ પરમાર નામના ફાયર કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ફાયરબ્રિગેડની કાર્યશૈલી પર અનેક સવાલો ઉદ્ભવ્યા હતા. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, આવા કાર્ય માટે સાત જેટલા કર્મચારીઓની જરૂર હોય છે, પરંતુ અપૂરતા સ્ટાફને કારણે માત્ર ચાર જ ફાયર જવાનો ચામાચીડિયાને રેસ્ક્યૂ કરવા પહોંચી ગયા હતા. આમ પૂરતો સ્ટાફ ન હોવાથી એક નિર્દોષ કર્મચારીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ફાયર વિભાગમાં સ્ટાફની ઘટ છે છતાં ભરતી પ્રક્રિયા કોઈ કારણોસર કરવામાં આવતી ન હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. બીજી તરફ અનિલ પરમારનો મૃતદેહ બોપલ ફયર સ્ટેશનથી તેમના સાણંદ ખાતેના નિવાસ સ્થાને જઈને ફયરના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ગાર્ડઓફ્ ઓનર આપી તેમની અંતિમ વિદાય આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોપલ ઘુમા રોડ પર ચામાચીડિયાને બચાવવા ગયેલા ફયરમેન અનિલ પરમારનું વીજ કરંટથી મોત થયા બાદ ફયર કર્મચારીઓ સહાય મળે તે માટે હડતાલ પર ઉતરી ગયા હતા. જો કે મોડી રાત્રે મૃતક ફયરમેનની પત્નીને નોકરી આપવાની વાત કરી હતી. બીજી તરફ્ ચીફ્ ફયર ઓફિસર દ્વારા હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સાથે વાત કરવામાં આવી હતી અને સમજાવવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તો ભોગ બનેલા જવાનોને સહાય મળે તે માટે ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસના ડાયરેક્ટરને સહાય માટેની ભલામણ કરતો પત્ર લખવામાં આવશે.
અનિલ પરમારના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી. તેમના પરિવારે મૃતકના પત્નીને મ્યુનિ. કોર્પોરેશનમાં નોકરી આપવાની માગ સાથે તેમની લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જોકે મોડી રાત્રે મ્યુનિ. કોર્પોરેશનમાં જ નોકરી આપવાની બાંયેધરી આપતા માંડ માંડ મામલો થાળે પડયો હતો અને પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો હતો. અનિલ પરમારના મૃતદેહને બોપલ ફયર સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અમદાવાદ ફયર સર્વિસના તમામ સ્ટેશનના કર્મચારીઓએ બોપલ ફાયર સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાર બાદ બોપલ ફાયર સ્ટેશનથી તેમના સાણંદ ખાતેના નિવાસ સ્થાને જઈને ફયરના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ગાર્ડ ઓફ્ ઓનર આપી તેમની અંતિમ વિદાય આપી હતી.
મૃતક અનિલ પરમારની પત્નીની AMCમાં નિમણૂક
AMCના ફાયર બ્રિગેડ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અનિલ પરમારનું તા. 16 જાન્યુઆરીના રોજ ઘુમામાં હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવતા આકસ્મિક મૃત્યુ થયું હતું. ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામેલા અનિલ પરમારના પત્ની દિપ્તી પરમારને તેમની શૈક્ષણિક લાયકાતને ધ્યાનને લઈને AMCના યોગ્ય વિભાગમાં ખાસ કિસ્સામાં નિમણૂંક આપવાનો મ્યુનિ. સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે. આમ, મૃતકના આશ્રીતને AMCમાં નોકરી આપવામાં આવી છે.


