- અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ‘ઝીરો’ બજેટની રકમનો ઉપયોગ થતો નહોતો
- AMC પ્લોટોમાં ક્રિકેટ, પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઊભી કરાશે
- ગ્રીનરી ડેવલપ કરવા, કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઝોનમાં ખેલકૂદ માટે રીઝર્વ રાખવામાં આવેલા AMC પ્લોટોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી હાથ ધરી શકાય તે હેતુસર રૂ. 25 કરોડ અને વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોને અપગ્રેડ કરવા માટે રૂ. 15 કરોડ સહિત કુલ રૂ. 40 કરોડની રકમ ‘ઝીરો’ બજેટમાંથી ફાળવવામાં આવશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા 2023-24ના વર્ષ માટે ‘ઝીરો’ બજેટ હેઠળ રૂ. 40 કરોડ ફાળવવામાં આવ્યા છે. અગાઉ, ‘ઝીરો’ બજેટ રાખવામાં આવતું હતું પરંતુ તેનો ઉપયોગ કરાતો ન હોવાનું જાણવા મળે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ‘ઝીરો’ બજેટ અંતર્ગત વિવિધ કામગીરી અને પ્રવૃત્તિઓ માટે ચોક્કસ રકમની ફાળવણી કરવાની સ્ટેન્ડિંગ કમિટીને સત્તા છે.
આ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને શહેરના યુવાનોમાં ખેલ કૂદની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી શકાય અને સારા રમતવીરો તૈયાર કરી શકાય તે હેતુસર ‘ઝીરો’ બજેટ અંતર્ગત રૂ. 40 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરના તમામ વિધાનસભા વિસ્તારમાં આવેલા AMCના રમત ગમત માટેના રીઝર્વ પ્લોટમાં રમત ગમતની સુવિધા ઉભી કરી શકાય તે હેતુસર ‘ઝીરો’ બજેટ અંતર્ગત રૂ.25 કરોડ ફાળવવામાં આવશે. જેના પરિણામે AMC પ્લોટોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારી શકાશે. લાઈટના પોલ મૂકવાની વ્યવસ્થા કરવાને લીધે નાઈટ ક્રિકેટ મેચ’ પણ રમાડી શકાશે. મ્યુનિ. પ્લોટોમાં ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, હોકી, કબડ્ડી, જેવી રમતો રમાડી શકાય અને આ રમત ગમત જોવા માટે પ્રેક્ષકો માટે જરૂરી બેઠક વ્યવસ્થા ઉભી કરવા, ચેન્જિંગ રૂમ તૈયાર કરવા, ગ્રીનરી ડેવલપ કરવા, કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોને અપગ્રેડ કરવા માટે ‘ઝીરો’ બજેટ અંતર્ગત રૂ. 15 કરોડ ફાળવવામાં આવ્યા છે.


