- પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાઓની ગેંગને ઝડપી લીધી
- ઝડપાયેલા પૈકી એક શખ્સ પણ યુએસનો વતની
- પૈસાની ઉઘરાણીમાં અપહરણની આશંકા
યુએસથી લગ્ન કરવા માટે ગાંધીનગર આવેલા એનઆરઆઇ યુવાનનું સરગાસણ ખાતેથી અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાનને છોડાવવા માટે અપહરણકર્તાઓએ 80 લાખની માંગણી કરી હતી. જોકે, પોલીસે યુવાનને વૈષ્ણોદેવી પાસેના એક ફાર્મ હાઉસમાંથી સહીસલામત છોડાવ્યો હતો. આ મામલે પોલીસે પાંચ શખસોની ધરપકડ કરી છે.
સરગાસણ સ્થિત રૂદ્ર ઇન્ફિનિટીવ ફ્લેટ ખાતેથી પાર્થ નરેન્દ્રભાઇ પટેલનું અપહરણ કરવામાં આવ્યુ હતું. પાર્થ પટેલ યુએસ ખાતે રહે છે. તે લગ્ન કરવા માટે છેલ્લા એક મહિનાથી ગાંધીનગર આવ્યો હતો. બનાવ સ્થળે ફ્લેટ રાખીને રહેતો હતો. યુવાનના અપહરણ બાદ અપહરણકર્તાઓએ તેના ભાઇને ફોન કરીને 80 લાખની માંગણી કરી હતી. આથી પાર્થના ભાઇએ આ મામલે પોલીસને જાણ કરી હતી. યુવાનનું અપહરણ થતા જ ઇન્ફોસિટી પોલીસની ટીમે યુવાનને છોડાવવા માટે તજવીજ હાથધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન રિસોર્સની મદદ લીધી હતી. આ દરમિયાન યુવાનને અપહરણકર્તાઓએ વૈષ્ણોદેવી પાસેના એક ફાર્મમાં રાખ્યો હોવાની બાતમી મળતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. જ્યાંથી પાર્થને સહિસલામત છોડાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે પાંચ શખસોની ધરપકડ કરી છે. જેમાં પ્રતીક જગદીશ ઠક્કર (ઉવ.35, રહે. ભૂયંગદેવ ચાર રસ્તા, અમદાવાદ) પ્રકાશ ચમનભાઇ પરમાર (રહે. થલતેજ), ભાવેશસિંહ સજ્જનસિંહ રાઠોડ (રહે. શીલજ), વિશાલ જયેશભાઇ ઠક્કર (રહે. સાઉથ બોપલ, અમદાવાદ) તથા પ્રકાશ છગન દેસાઇ (રહે. ચાંદખેડા)નો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખસો પૈકી પ્રતીક ઠક્કર મુખ્યસુત્રધાર હોવાનું ખુલ્યુ છે. પ્રતીક પણ યુએસ ખાતે રહે છે. પાર્થ તેમજ પ્રતીક વચ્ચે પૈસાની કોઇ લેતીદેતીનો મામલો હતો. આજે પ્રતીક પાર્થના ફ્લેટે ગયો હતો. જોકે, ફાર્મ હાઉસ પહોંચ્યા બાદ પ્રતીક અને તેના સાગરીતોએ પાર્થના ભાઇ પાસે પૈસાની માંગણી કરી હતી. પાર્થના લગ્ન હોય પૈસાની ઉઘરાણી નીકળી જશે તેવા આશંકાથી પ્રતીક ગઇકાલે જ યુએસથી ઇન્ડિયા આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.


