- આ પદ્ધતિથી બનતા IASમાં ચોથી પોસ્ટ ખાલી રહી
- હાલ બે અધિકારીઓ રાજ્ય વેરા વિભાગમાં અને એક કૃષિ વિભાગમાં ફરજ બજાવે છે
- કેન્દ્રના ડીઓપીટી દ્વારા આ અંગે શુક્રવારે નોટિફિકેશન જારી થયું છે
કેન્દ્ર સરકારે ગુજરાત સરકારમાં સિલેક્શન પ્રોસેસથી ત્રણ નવા આઇએએસ-રિદ્ધેશ પ્રિતમાલાલ રાવલ, મહેશ શાંતિલાલ જાની અને જયેશકુમાર બાબુલાલ ઉપાધ્યાય નિયુક્ત કર્યા છે. પ્રથમ બે અધિકારીઓ રાજ્ય વેરા વિભાગમાં અને ત્રીજા અધિકારી કૃષિ વિભાગમાં હાલ ફરજ બજાવે છે. આ ત્રણે અધિકારીઓને 2022ની બેચ એલોટ થશે. કેન્દ્રના ડીઓપીટી દ્વારા આ અંગે શુક્રવારે નોટિફિકેશન જારી થયું છે.
પ્રમોટી આઇએએસ બે રીતે બને છે, એક, સ્ટેટ સિવિલ સર્વિસમાંથી પ્રમોશન મેળવીને આઇએએસમાં નોમિનેશન થાય છે અને બીજી પદ્ધતિમાં જુદા જુદા વિભાગોના અધિકારીઓની જીપીએસસી દ્વારા એકઝામ પછી યુપીએસસીના સભ્ય કે ચેરમેન હેઠળની 6 સભ્યોની કમિટી ઇન્ટરવ્યૂની સિલેક્શન પ્રક્રિયાથી આઇએએસ બને છે. આ વખતે સિલેક્શન પ્રોસેસમાં ગુજરાત કેડર ખાતે 4 આઇએએસની જગ્યા હતી, જે માટે ઇન્ટરવ્યૂ આપનારા 20 અધિકારીઓમાંથી ચોથો અધિકારી આઇએએસ તરીકે નિયુક્ત કરવો કમિટીને સક્ષમ લાગ્યો નથી. આ ત્રણ અધિકારીઓ આઇએએસ બનવાથી હવે સ્ટેટ કેડરમાં આઇએએસની સંખ્યા 316 ઉપર પહોંચી છે.


