- પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા
- બે બાઇક પર આવેલા પાંચ હુમલાખોરોએ નજીકથી નવ રાઉન્ડ ફાયર કર્યા
- પાંચ હુમલાખોરોએ શ્રી મોલની બહાર નવ ગોળી છોડીને આ હત્યા કરી હતી
નોઇડાના સેક્ટર 104માં શુક્રવારે ધોળા દિવસે એક વ્યક્તિની ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ હતી. બાઇક પર આવેલા પાંચ હુમલાખોરોએ શ્રી મોલની બહાર નવ ગોળી છોડીને આ હત્યા કરી હતી. હત્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સૂરજભાણ હતું. તે લોટસ બુલેવર્ડ સોસાયટીમાં રહેતા હતા અને એર ઇન્ડિયામાં ક્રૂ મેમ્બર હતા. આ ઘટના બપોરે લગભગ બે વાગ્યે શ્રી મોલની બહાર બની હતી. સૂરજભાણ શ્રી પ્લાઝામાં આવેલા એનીટાઇમ ફિટનેસ જિમમાંથી વર્કઆઉટ કરીને બહાર આવ્યા હતા અને રોડની બાજુમાં પાર્ક કરેલી કારમાં બેસીને કેળું ખાતા હતા, ત્યારે જ, બે બાઇક પર સવાર થયેલા પાંચ બદમાશોે ત્યાં આવ્યા હતા. આગળની બાઇક પર હથિયારધારી ત્રણ ગુંડા હતા, જેમણે ખૂબ નજીકથી સૂરજભાણ પર ફાયરિંગ કર્યાં હતાં. જેમાં સૂરજભાણને માથામાં ગોળી વાગી હતી. કહેવાય છે કે હત્યારાઓએ નવ ગોળી છોડી હતી. હુમલો કર્યા બાદ હત્યારાઓ હાજીપુર અંડરપાસ બાજુ ભાગી ગયા હતા.
સેક્ટર 39 પોલીસ સ્ટેશન હેઠળના સેક્ટર 104માં યુવકની હત્યાની માહિતી આપતાં ડીસીપી નોઇડાએ કહ્યું કે ઘટનાસ્થળે પોલીસ પહોંચ્યા બાદ હુમલાનો ભોગ બનેલા યુવકને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો પણ તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાયો છે અને ફોરેન્સિક ટીમને બોલાવી લેવાઈ છે. ચાર ટીમ બનાવીને હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


