- નિર્દોષ બાળકોના મૃત્યુ પાછળની કોઇપણ બેદરકારી સાંખી શકાય નહીં
- 29મીએ વધુ સુનાવણી, ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ
- નિર્દોષ બાળકોના મૃત્યુ અને આ પ્રકારની બોટ દુર્ઘટના સર્જાવા પાછળની કોઇપણ બેદરકારી સાંખી શકાય નહી
હરણી લેક દુર્ઘટનામાં 12 ભુલકા અને 2 શિક્ષિકાના મોત થયા હતા તે મામલે વડોદરા દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. ચીફ્ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીનીની બેન્ચ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે 29 જાન્યુઆરીના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
બોટકાંડ પ્રકરણમાં હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તરફ્થી આ સમગ્ર કરુણાંતિકા મામલે તાત્કાલિક સુઓમોટો પીઆઇએલ દાખલ કરવા ગુજરાત હાઇકોર્ટને વિનંતી કરી હતી. તેમણે કેસની સમગ્ર હકીકતો અને ગંભીર નિષ્કાળજી સહિત બાબતો અદાલતના ધ્યાન પર મૂકી હતી. જેને લઇને ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુધ્ધ માયીની ખંડપીઠે એસોસીએશનના પ્રમુખની માંગનો સ્વીકાર કર્યો હતો અને આ અંગેની તજવીજ હાથ ધરી હતી. જો કે, કેસની સુનાવણી દરમ્યાન ચીફ્ જસ્ટિસ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ બહુ ગંભીર અને આઘાતજનક કરુણાંતિકા છે અને નિર્દોષ બાળકોના મૃત્યુ અને આ પ્રકારની બોટ દુર્ઘટના સર્જાવા પાછળની કોઇપણ બેદરકારી સાંખી શકાય નહી.
આ બહુ ગંભીર અને અક્ષમ્ય પ્રકારની બેદરકારી છે, જેમાં મુખ્ય કોન્ટ્રાકટર, સબ કોન્ટ્રાકટર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ, સ્કૂલ સત્તાવાળાઓ સહિતના સંબંધિત લોકો સીધી અને પરોક્ષ રીતે જવાબદાર ઠરે છે. વડોદરા મનપાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેને તે અંગે ખોટો દાવો કરી બચાવ કર્યો હતો. આમ, સમગ્ર પ્રકરણમાં સેફ્ટી નોર્મ્સ પણ પાળવામાં આવ્યા ન હતા.


