જેતપુર નજીક વ્રજ વાટિકા હોટેલમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો : ૯ શખ્સો ઝડપાયા
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી કાર્યવાહી; રોકડ, ૨ કાર અને ૭ મોબાઈલ સહિત ₹૪૧.૨૬ લાખના મુદ્દામાલ કબ્જે
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર-જૂનાગઢ હાઇવે પર આવેલી વ્રજ વાટિકા હોટેલમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગારધામ પર રાજકોટ રેન્જ પોલીસે સફળ દરોડો પાડી ૯ ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ₹૧૨,૨૬,૧૦૦ની રોકડ, ૨ કાર અને ૭ મોબાઇલ ફોન મળી કુલ ₹૪૧,૨૬,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અને PI અપૂર્વ પટેલની રાહબરીમાં PSI બી.સી. મિયાત્રા તથા ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે હોટેલમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે હોટેલ માલિક દીપકભાઈ પોલરા અને પરેશભાઈ કાછડિયા બહારથી માણસો બોલાવીને રૂમમાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમાડતા હતા.
પોલીસે સ્થળ પરથી પરેશભાઈ કાછડિયા, હરેશભાઈ સેંજલીયા, ગોગનભાઈ પરમાર, માયાભાઈ માયાણી, રામજીભાઈ ભોગેસરા, ભાવેશભાઈ ધુલેશિયા, અનિલભાઈ વેકરીયા, સનાભાઈ બામણિયા અને દીપકભાઈ પોલરાની ધોરણસર અટકાયત કરી છે. તમામ આરોપીઓ સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


