- ચેતેશ્વર પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા
- ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય
- આ સિદ્ધી મેળવ્યા બાદ મહાન ક્રિકેટરોના ક્લબમાં થયો સામેલ
ભારતીય ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા ભલે ટીમ ઈન્ડિયાથી દૂર હોય પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેની લોકપ્રિયતા યથાવત છે. ચેતેશ્વર પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. પૂજારા વર્તમાન રણજી ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે. તેણે વિદર્ભ સામે પ્રથમ દાવમાં 43 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં તે 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 66 રનની આ ઇનિંગ દરમિયાન પોતાના 20 હજાર ફર્સ્ટ ક્લાસ રન પૂરા કર્યા. આ સાથે તે આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.
સચિનની ક્લબમાં થયો સામેલ
ચેતેશ્વર પૂજારાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદથી ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. તેને વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સીરીઝમાં જગ્યા મળી ન હતી. તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે પણ ટીમનો ભાગ નથી. પરંતુ આ સમય દરમિયાન રણજી ટ્રોફીમાં પુજારાએ ઝારખંડ સામે બેવડી સદી ફટકારી હતી અને ત્યારબાદ તેણે વિદર્ભ સામે ફિફટી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન છે. તેમના પહેલા સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ આ કરી ચુક્યા છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન (ભારતીય)
- સુનીલ ગાવસ્કર- 25834 રન
- સચિન તેંડુલકર- 25396 રન
- રાહુલ દ્રવિડ- 23794 રન
- ચેતેશ્વર પૂજારા- 20013 રન
ચેતેશ્વર પૂજારાની કારકિર્દી
ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટ અને તમામ પ્રકારના ડોમેસ્ટિક રેડ બોલ ક્રિકેટના આંકડા સામેલ છે. પૂજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 103 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમીને 176 ઇનિંગ્સમાં 7195 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 19 સદી અને 35 ફિફટી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 206 રન રહ્યો છે. ચાલુ રણજી ટ્રોફીમાં ઝારખંડ સામે તેણે અણનમ 243 રન બનાવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે રણજીમાં તેનું વર્તમાન પ્રદર્શન તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે કે કેમ.


