- હૃદયના ધબકારા વધી જતા હોવાના કારણે ચાર સપ્તાહના જામીન માંગેલા
- મેડિકલ ચેકઅપ કરાવી રિપોર્ટ સોંપવા યુ.એન. મહેતા હોસ્પિટલને નિર્દેશ
- અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા
ઇસ્કોન બ્રિજ પર પર 142થી વધુની ઝડપે બેફમ રીતે જેગુઆર કાર હંકારી એકસાથે નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને સંખ્યાબંધ લોકોને ઇજા પહોંચાડનાર આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલ હૃદયના ધબકારા વધી જતા હોવાથી અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા. જો કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ ડી.એમ.વ્યાસે તથ્ય પટેલની હંગામી જામીનની અરજી ધરાર ફ્ગાવી દીધી હતી. કોર્ટે આરોપી તથ્ય પટેલની છાતીની તકલીફ્ને લઇ તેની સારવાર માટે યુ.એન.મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ દસ દિવસમાં અદાલતમાં રજૂ કરવા સાબરમતી જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ છેલ્લા સાડા પાંચ મહિના ઉપરાંતના સમયથી સાબરમતી જેલમાં છે. દરમિયાન તથ્ય પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર સપ્તાહ માટેના કામચલાઉ જામીન માંગતી એક અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, અરજદારને છાતીમાં દુખાવો થતો હોઇ અને હૃદયના ધબકારા વધી જતા હોઇ અગાઉ તેણે સિમ્સ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, તેથી આ સંદર્ભમાં તેને થોડા દિવસોની સારવાર માટે ચાર સપ્તાહના સમયગાળા માટે હંગામી જામીન પર મુકત કરવો જોઇએ.
મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ તપાસનીશ અધિકારીની એફ્ડિેવિટ રજૂ કરીને આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીનો સખત વિરોધ કરતાં કોર્ટને જણાવ્યું હતું કે, અરજદારને જરૂર પડી ત્યારે સાબરમતી જેલમાં સારવાર આપવામાં આવી હતી. વળી, અસારવાની અદ્યતન અને તમામ સાધનસુવિધાથી સજ્જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં અરજદારને યોગ્ય સારવાર મળી શકે તેમ છે, અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવારના બહાના હેઠળ આરોપીને આ પ્રકારે કામચલાઉ જામીન આપી શકાય નહી કારણ કે, તેની વિરૂધ્ધનો ગુનો ઘણો ગંભીર છે. ગુનાની ગંભીરતા અને કેસની સંવેદનશીલ હકીકતો ધ્યાને લઇને કોર્ટે આરોપીની હંગામી જામીન અરજી ફ્ગાવી દેવી જોઇએ.


