- ગુજરાત સરકાર નવા બજેટમાં 500 કરોડની જોગવાઈ કરશે
- હાલમાં આવું મશીન મુંબઈ-ચેન્નાઈની બે ખાનગી હૉસ્પિટલ પાસે જ છે
- જો કે ટેન્ડરિંગ બાદ મશીન વસાવવાનો ખર્ચ રૂ.600 કરોડ આસપાસ થશે
ગુજરાતના કેન્સરના દર્દીઓને આશીર્વાદરૂપ એવું પ્રોટોનબિમ થેરાપી મશીન અમદાવાદની સરકારી મેગા કેન્સર હૉસ્પિટલમાં વસાવાઈ રહ્યું છે. રાજ્ય સરકાર આને માટે નવા વર્ષના બજેટમાં રૂ.500 કરોડની જોગવાઈ કરી રહી છે. જો કે ટેન્ડરિંગ બાદ મશીન વસાવવાનો ખર્ચ રૂ.600 કરોડ આસપાસ થશે. પ્રોટોનબિમ રેડિયોથેરાપી મશીન દ્વારા કેન્સર ટયૂમર ઉપર ટાર્ગેટેડ એટેક થશે, જેની કોઈ આડઅસર અન્ય ટિસ્યૂ-શેલ્સ ઉપર થશે નહીં. મુંબઈની તાતા કેન્સર હૉસ્પિટલ અને ચેન્નાઈની એપોલો હૉસ્પિટલ પછી ભારતમાં આ ત્રીજું મશીન રાજ્યની મોટામાં મોટી સરકારી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં આવશે.
પ્રોટોનબિમ રેડિયોથેરાપીએ વિશિષ્ટ પ્રકારની થેરાપી છે. અત્યારે શહેરની સરકારી કેન્સર હૉસ્પિટલમાં છેલ્લા બે-ચાર વર્ષોમાં રેડિયોથેરાપી માટે જૂના ત્રણ મશીનો ઉપરાંત સિટી સિમ્યુલેટર મશીન, બ્રેકી થેરાપી મશીન, લિનિયર એક્સિલરેેટેડ મશીન અને છેલ્લે સાઇબર નાઈફ થેરાપી મશીન- એમ ચાર યુનિટ વસાવાયા છે. આ બધા મશીનોના ઉપયોગમાં દર્દીને એન્ટ્રીથી એક્ઝિટ સુધી રેડિયેશન લાગે છે.જ્યારે પ્રોટોનબિમ થેરાપીમાં રેડિયેશન સીધું જ ટયૂમર ઉપર ડોઝ આપશે, જેથી આ નવતર થેરાપી રાજ્યના દર્દીઓને ખૂબ જ આશીર્વાદરૂપ બનશે.
પ્રોટોનબિમ રેડિયો થેરાપી બ્રેઈન ટયૂમર, લંગ કેન્સર, સ્પાઇન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સારકોમા કેન્સરમાં તો બહુ ઉપયોગી પુરવાર થશે જ, સાથોસાથ દર્દીને અત્યારે રી-રેડિયેશન આપવાની જરૂર પડે ત્યારે ઉપલબ્ધ થેરાપી મશીનો દ્વારા રેડિયેશન આપી શકાતું નથી, જે પ્રોટોનબિમ મશીનમાં શક્ય બનશે, તેમ કેન્સર નિષ્ણાતો જણાવી રહ્યાં છે.


