- ધ્રાંગધ્રા ઉમાશંકુલમાં સમૂહલગ્નમાં 36 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં
- દરેક પરિવારની દીકરી-દીકરાના લગ્ન સમૂહલગ્નમાં
- કરીયાવરના બદલે બેંકની ફીક્ષ ડિપોઝિટ કરવા અપીલ
ધ્રાંગધ્રા ઉમા શંકુલમાં સજ્જનપુર, ઉમીયાનગર ગામના પાટીદાર સમાજ દ્વારા 28 મા સમૂહલગ્નમાં 36 નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડયા હતા આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓએ સમૂહલગ્નમાં દીકરીઓને કરીયાવરના બદલે બેંકની ફીક્ષ ડિપોઝિટ કરવા અપીલ કરી હતી.
સમાજમાં દેખાદેખીમાં સામાન્ય પરીવારને પણ દીકરીના લગ્નમાં કરજ લઇને પણ મોંઘાદાટ લગ્ન કરવા પડે છે.ત્યારે ધ્રાંગધ્રા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્ન કરવાની પહેલ શરૂ કરી હતી.એનો મુખ્ય ઉદેશ્ય દીકરો હોય કે દીકરી સામાન્ય ખર્ચમાં લગ્ન કરી શકે બોજ વધે નહી અને સમાજમાં એકતા જળવાઇ રહે.સજ્જનપુર, ઉમિયાનગર ગામ સમસ્ત પાટીદાર સમાજ આયોજીત 28 મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો.
આ લગ્નમાં 36 કન્યાઓને સજ્જનપુર, ઉમીયાનગરના આગેવાનોએ સોનાચાંદી સહિત 75 પ્રકારની કરીયાવરમાં વસ્તુઓ અર્પણ કરી હતી.આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓએ સમાજને સમૂહલગ્ન ઉપર ભાર મુકી સમાજના દરેક પરીવારની દીકરી દીકરાના લગ્ન સમૂહલગ્નમાં જ કરવા અને દીકરીને કરીયાવર આપવાના બદલે બેંકમાં ફીક્ષ ડિપોઝિટ કરવા અપીલ કરી હતી જેથી જરૂર પડયે દીકરીને કામ આવે.આ પ્રસંગે મંત્રી પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત સમાજના મોટી સંખ્યામાં પરીવારજનો હાજર રહયા હતા.
સમૂહલગ્નથી એકતા જળવાય, ભાઇચારો વધે
સરદારગ્રુપ પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવેલ કે સમૂહલગ્ન રાખવાથી પરીવારને લગ્નનો ખર્ચ ઘટી જાય છે સાથે સમાજ અને એકબીજા પરિવાર વચ્ચે એકતા જળવાય સાથે ભાઇચારો વધે છે. ત્યારે સજ્જનપુર-ઉમિયાનગર દ્વારા કરાયેલ આયોજને અન્ય સમાજને પણ સંદેશો પાઠવ્યો છે.


