- 1991માં વારાણસી કોર્ટમાં પહેલો મુકદ્દમો દાખલ થયો હતો
- પૂજાસ્થળ કાયદા હેઠળ મસ્જિદ કમિટીએ હિન્દુ પક્ષની અરજીને પડકારી
- 25 જાન્યુઆરી 2024એ રિપોર્ટ સાર્વજનિક કરાયો; જ્ઞાનવાપીમાં મંદિરનું સ્ટ્રક્ચર મળ્યું છે
જ્ઞાનવાપી કેસમાં જિલ્લા અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે હિન્દુ પક્ષને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી દીધી છે. વ્યાસ ભોંયરું 1993થી બંધ હતું. બુધવારે જ જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતમાં જ્ઞાનવાપી પરિસરનો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ)નો સર્વે રિપોર્ટ સાર્વજનિક કરાયો હતો. રિપોર્ટ અનુસાર, જ્ઞાનવાપીમાં મંદિરનું માળખું મળી આવ્યું છે.
જ્ઞાનવાપી વિવાદ બાબતે હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે 100 ફૂટ ઊંચું આદિ વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લીંગ છે. કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2025 વર્ષ પહેલાં મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પણ ઔરંગઝેબે 1664માં મંદિર તોડાવી નાખ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તે જમીન પર કરવામાં આવ્યું છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે જાણીતી છે.
અરજીદારોએ માગણી કરી હતી કે જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરીને એ શોધી કાઢવું જોઈએ કે જમીનની અંદરના ભાગે મંદિરના અવશેષો છે કે નહીં. સાથે જ વિવાદિત માળખાની ફર્શ તોડીને એ પણ શોધવામાં આવે કે 100 ફૂટ ઊંચું જ્યોતિર્લીંગ સ્વયંભૂ વિશ્વેશ્વરનાથ પણ ત્યાં છે કે નહીં. મસ્જિદની દીવાલોમાં પણ તપાસ કરીને જાણવામાં આવે કે આ મંદિર છે કે નથી. અરજીકર્તાઓનો દાવો છે કે કાશી વિશ્વનાથ મંદિરના અવશેષો વડે જ જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ થયું હતું. આ દાવા પર અદાલતે કોર્ટ કમિશનર નિયુક્ત કરીને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ) પાસે સર્વે કરાવ્યો હતો. ગયા બુધવારે એએસઆઇનો આ સર્વે રિપોર્ટ સાર્વજનિક થયો છે.
આ વિવાદમાં અત્યાર સુધીમાં શું શું બન્યું
કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી કેસમાં 1991માં વારાણસી કોર્ટમાં પહેલો મુકદ્દમો દાખલ થયો હતો. અરજીમાં જ્ઞાનવાપી પરિસરમાં પૂજાની મંજૂરી માગવામાં આવી હતી. પ્રાચીન મૂર્તિ સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વર તરફથી સોમનાથ વ્યાસ, રામરંગ શર્મા, અને હરિહર પાંડેયનો વાદી તરીકે સમાવેશ થાય છે.
મુકદ્દમો દાખલ થયાના થોડાક મહિના બાદ સપ્ટેમ્બર 1991માં કેન્દ્ર સરકારે પૂજાસ્થળ કાયદો બનાવી નાખ્યો. આ કાયદો એમ કહે છે કે 15 ઓગસ્ટ 1947ની પહેલાં અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજાસ્થળને બીજા કોઈ ધર્મના પૂજાસ્થળમાં બદલી ન શકાય. જો કોઈ એવું કરવાની કોશિશ કરે તો તેને એકથી ત્રણ વર્ષ સુધીની જેલ અને આર્થિક દંડ થઈ શકે છે.
તે વખતે અયોધ્યાનો કેસ કોર્ટમાં હતો તેથી તેને આ કાયદાથી અલગ રખાયો હતો પણ જ્ઞાનવાપી કેસમાં આ કાયદાનો આધાર ટાંકીને મસ્જિદ કમિટીએ અરજીને હાઈકોર્ટમાં પડકારી હતી. 1993માં અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટે મૂકીને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે કોઈ પણ કેસમાં સ્ટે ઓર્ડરની કાયદેસરતા માત્ર છ મહિના માટે જ રહેશે, ત્યાર બાદ ઓર્ડર અસરકારક નહીં રહે.
આ આદેશ બાદ 2019માં વારાણસી કોર્ટમાં ફરી આ કેસમાં સુનાવણી શરૂ થઈ. 2021માં વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદના પુરાતાત્ત્વિક સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી.
આદેશમાં એક કમિશન નિયુક્ત કરાયું અને એ કમિશનને છ અને સાત મેના રોજ બંને પક્ષોની હાજરીમાં શ્રુંગારગૌરીની વીડિયોગ્રાફી કરવાનો આદેશ અપાયો. અદાલતે આ બાબતમાં 10 મે સુધીમાં સંપૂર્ણ માહિતી માગી હતી.
છ મે, પહેલા દિવસનો સર્વે થઈ શક્યો હતો પણ સાતમી મેએ મુસ્લિમ પક્ષે તેનો વિરોધ શરૂ કર્યો અને કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.
12 મેએ મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી થઈ. કોર્ટે કમિશનરને બદલવાની માગણી રદ કરી દેવામાં આવી અને 17 મે સુધી સર્વેનું કામ પૂરું કરાવીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અપાયો. કોર્ટે કહ્યું કે જ્યાં તાળાં લાગ્યાં છે ત્યાં તાળાં તોડાવી નાખો. જો કોઈ અવરોધ ઊભો કરવાની કોશિશ કરે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરો પણ સર્વેનું કામ કોઈ પણ સંજોગોમાં પૂરું થવું જોઈએ.
14 મેએ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર તરત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર સ્ટે મૂકવાની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો ઇનકાર કરતાં કહેલું કે અમે કાગળો જોયા વગર આદેશ ન આપી શકીએ. હવે કેસમાં 17 મેએ સુનાવણી થશે.
14 મેથી જ્ઞાનવાપીના સર્વેનું કામ ફરી શરૂ થયું. બધા બંધ ઓરડાથી લઈને કૂવા સુધી બધાની તપાસ થઈ. આ આખી પ્રક્રિયાની વીડિયો અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી.
16 મેએ સર્વેનું કામ પૂરું થયું. હિન્દુ પક્ષે દાવો કર્યો કે કૂવામાંથી બાબા મળી ગયા છે. તેના ઉપરાંત, હિન્દુ સ્થળ હોવાના ઘણા પુરાવા મળ્યા છે. જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું કે સર્વે દરમિયાન કશું નથી મળ્યું. હિન્દુ પક્ષે તેના વૈજ્ઞાનિક સર્વેની માગણી કરી. મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો.
21 જુલાઈ 2023એ જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની માગણી મંજૂર કરતાં જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપી દીધો.
24 જાન્યુઆરીએ જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે બુધવારે ચુકાદો આપ્યો. જિલ્લા જજે વાદી પક્ષને સર્વે રિપોર્ટ આપવાનો આદેશ કર્યો.
25 જાન્યુઆરી 2024એ રિપોર્ટ સાર્વજનિક કરી દેવાયો. રિપોર્ટ અનુસાર, જ્ઞાનવાપીમાં મંદિરનું સ્ટ્રક્ચર મળ્યું છે. આ બાબતે હિન્દુ પક્ષે આનંદ વ્યક્ત કર્યો.
31 જાન્યુઆરી 2024એ વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી દીધી.


