- ગઇકાલે રાત્રે છોડવામાં આવેલુ પાણી દહેગામ પંથક સુધી પહોંચ્યુ
- પાણીને વધાવવા માટે ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટયા
- પાણી છોડવા સિંચાઇ મંત્રીને ભલામણ કરી હતી
દહેગામ તાલુકામાં 61 ગામને અસર કરતા ખાત્રીબા વહેણમાં ગત રાત્રે સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યુ હતુ. આજે સવારે પાણી કડજોદરા સહીતના પંથકની વહેણમા પહોચતા લોકો જોવા માટે ઉમટી પડયા હતા. આ વિસ્તારના ખેડૂતોમાં પાણી આવવાથી ભારે લાગણી અને ઉમંગ છવાયો હતો. ખેડૂતોએ લાંબા સમયથી પોતાના બંધ પડી ગયેલા અને કાટ ખાઇ રહેલા વહેણના કિનારે ફાયટર મશીનોને ચાલુ કર્યા હતા અને આજથી જ પાણી વાળવાનો ધમધમાટ શરુ કરી દીધો હતો.
આ મામલે પંથકના ખેડૂતોએ જણાવ્યુ કે ખાત્રીબામાં પાણી આવવાથી સેંકડો એકર જમીનમાં વાવેતર કરાયેલા પાકને નવજીવન મળશે અને શિયાળુ પાક બચી જશે. ખેતી માટે સિંચાઇનુ પાણી વહેતુ થવાથી આસપાસના તળ પણ ઉંચા આવશે. તાલુકાના ગ્રામજનો માટે પણ પાણી આવવાથી તળાવો ભરવા ની આશા બંધાઇ છે. તાજેતરમાં કડજોદરા પંથકના ખેડુતો તથા તાલુકા પંચાયત સદસ્ય ફકીરસિહ ઝાલા સહીતના ખેડૂતોએ મામલતદાર સમક્ષ આ મામલે રજુઆતો પણ કરી હતી. ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઇને ધારાસભ્ય બલરાજસિહ ચૌહાણે ખાસ કિસ્સામાં સિચાઇ મંત્રીને તથા સિચાઇ વિભાગને ભલામણ કરીને પાણી છોડવાની માંગ કરી હોવાની વિગતો છે. સિંચાઇ વિભાગ દ્વારા આખરે વહેણમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. ખાત્રીબા વહેણામાં ઘણીવાર પાણી છોડવામાં આવ્યા બાદ થોડાક મહિનાઓમાં બંધ કરી દેવાય છે જેથી ખેડૂતો માટે આશિર્વાદ સમાન કેનાલમાં સતત આ પાણીને ચાલુ રાખવામાં આવે એવી આશા પંથકના ખેડૂતો સેવી રહ્યા છે.
પાણી છોડવા સિંચાઇ મંત્રીને ભલામણ કરી હતીઃ ધારાસભ્ય
દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે કડજોદરા પંથકના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઇને સિંચાઇ મંત્રીને ખાસ કિસ્સામાં દહેગામ ની ખાત્રીબા કેનાલમાં પાણી છોડવાની ભલામણ કરી હતી.મંત્રી ઉપરાંત સિંચાઇ વિભાગના ઇજનેરને રુબરુ મળીને ખેડૂતોના હિતમાં દહેગામના ખા ત્રીબા વહેણમાં પાણી છોડવાની વાત કરી હતી. જેને સ્વીકારીને તંત્ર દ્વારા ખાસ કિસ્સામાં ખાત્રીબા કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હોવાની વાત ધારા સભ્યએ જણાવી હતી.


