રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જાપાન વચ્ચે શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ
ટોકિયોના ફાઇનાન્સ એક્સપર્ટ જૂન્યા કોરિયામાએ લીધી કેમ્પસની મુલાકાત; માઇન્ડ જીમ અને રોબોટિક્સ લેબથી થયા પ્રભાવિત
અગ્ર ગુજરાત, રાજકોટ
શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને નવીન શૈક્ષણિક અભિગમોના આદાન-પ્રદાનના ભાગરૂપે ટોકિયોથી ઉચ્ચ શિક્ષણ મેળવનાર જાપાની ખાસ અતિથિ જૂન્યા કોરિયામાએ રાજકોટ સ્થિત કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શાળાના એમ.ડી. અશોકભાઇ પાંભર અને રમેશભાઇ પાંભર સાથે ગ્લોબલ લર્નિંગ, શૈક્ષણિક પદ્ધતિઓ અને ટેક્નોલોજીના ઉપયોગ અંગે સાર્થક સંવાદ થયો હતો.
જાપાની અતિથિએ શાળાના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી શિસ્તબદ્ધ શૈક્ષણિક વાતાવરણની સરાહના કરી હતી. વિદ્યાર્થીઓની વિચારશક્તિ અને માનસિક ક્ષમતા વધારવા શરૂ કરાયેલા ‘માઇન્ડ જીમ’ અભિગમને તેમણે વિશેષ બિરદાવ્યો હતો. “Learning by Doing” ના સિદ્ધાંત પર કાર્યરત રોબોટિક્સ લેબમાં વિદ્યાર્થીઓની પ્રાયોગિક ક્ષમતા જોઈ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. વિશાળ લાઇબ્રેરી, વર્ગખંડની ઇન્ટરેક્ટિવ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ તેમજ શીખવાની તત્પરતાએ મહેમાનનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ભારત અને જાપાન વચ્ચે શિક્ષણ, સંસ્કૃતિ અને ટેક્નોલોજીના પરસ્પર આદાન-પ્રદાન માટે આ મુલાકાત એક સકારાત્મક અને પ્રોત્સાહક માધ્યમ બની રહી હતી.


