- વિજ્ઞાન-ટેકનોલોજિકલ ઇનોવેશનના મોરચે વિશ્વના મોટામોટા દેશોને ટક્કર
- તેને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું
- પડોશી દેશ ચીનમાંથી ટેક બ્રાન્ડ્ઝને ભારતમાં બોલાવવાની તૈયારી છે
ભારત 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજિકલ ઇનોવેશનના મોરચે વિશ્વના મોટામોટા દેશોને ટક્કર આપી રહ્યું છે અને તેને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્રીય બજેટ 2024ને સંસદમાં રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇનોવેશનને વેગ આપવા માટે રૂ. એક લાખ કરોડનું ભંડોળ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત પડોશી દેશ ચીનમાંથી ટેક બ્રાન્ડ્ઝને ભારતમાં બોલાવવાની તૈયારી છે. વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ ચીનમાં મેન્યુફેક્ચરિંગ કરે છે પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં તેમનું ધ્યાન ભારત તરફ દોરવાયું છે. ચીનની વર્તમાન ટેક ઇન્ડસ્ટ્રીને પાછળ છોડતાં ઇનોવેશન્સ સાથે સંકળાયેલ રોકાણોને ભારતમાં લાવવા અને ટેક બ્રાન્ડ્ઝને આકર્ષિત કરવા માટે સરકારે તમામ તૈયારી કરી લીધી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે ભારતે કેવી રીતે વિદેશી કંપનીઓ માટે દેશના દરવાજા ખોલ્યા છે અને કેવી રીતે તેમની સાથે મળીને સ્વદેશી કંપનીઓ નવો વિકાસ સાધી રહી છે.
ઇનોવેશનને વિકાસનો પાયો ગણાવ્યો
નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે દેશમાં ડીપ-ટેક ટેકનોલોજીને મજબૂત કરવા તથા રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા ટૂંક સમયમાં એક યોજના બનાવવામાં આવશે. તેમણે ઇનોવેશનને વિકાસનો પાયો ગણાવતાં કહ્યું હતું કે તેના માટે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન આપવા માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ તૈયાર કરવામાં આવશે. તેને પરિણામે રિસર્ચ અને ઇનોવેશનને વેગ મળશે.
કંપનીઓ ચીનમાંથી ભારત તરફ વળી રહી છે
કોવિડ-19 રોગચાળાના કારણે ચીનમાં સપ્લાય ચેઇનને મોટો ફટકો પડયો હતો અને અસંખ્ય ટેક કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડયું હતું. ભારત વિશ્વના સૌથી મોટા માર્કેટ્સમાંનું એક છે અને અહીં મેન્યુફેક્ચરિંગ કરીને મોટી બ્રાન્ડ્ઝ બચત કરી શકે છે અને તેથી વધુ નફો રળી શકે છે. એપલ અને બીજી બ્રાન્ડ્ઝ હવે ચીનના સ્થાને ભારત તરફ વળી રહી છે અને ભારતમાં પ્રોડક્શન કરવા માંગે છે.


