- કેન્સરની બીમારી સામે જંગ જીતનારા દર્દી-સ્વજનોનું સન્માન કરાયું
- પીડિત વ્યક્તિ-પરિવારને સહાનુભૂતિની નહીં, સાથની જરૂર : ડૉ. કૌસ્તુભ પટેલ
- કેન્સર દર્દી માટે ફૂડ ચેનલ શરૂ કરવાનું સ્ટેજ મળ્યું
ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થવાની છે ત્યારે અમદવાદના એસજી હાઈવે સ્થિત એચસીજી કેન્સર સેન્ટર ખાતે બીમારીની સામેનો જંગ જીતનારા 10 દર્દી અને મુશ્કેલ સમયે પડખે રહેનારા તેમના સ્વજનોનું સન્માન કરાયું હતું. આ તબક્કે ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું હતું કે, કેન્સર પીડિત વ્યક્તિ અને તેમના પરિવારને સહાનુભૂતિની નહીં, બલ્કે સાથની જરૂર હોય છે અને સમાજ સહિત આપણે સૌએ આ સાથનું સન્માન કરવાનું છે. કેન્સર સામે જંગ જીતનારા આ પરિવારોમાં કેટલાક એવા પણ છે કે, પતિને કેન્સર ડિકેક્ટ થયો હોય અને તેની સારવાર માટે છાનેમાને ઘરેણાં વેચી દીધા હોય પણ પરિવારમાં કોઈને આ વાતની ગંધ સુદ્ધાં આવવા દીધી નહોતી.
અમિષાબહેને જણાવ્યું હતું કે, હર્ષદને જૂન 2015ના અરસામાં કેન્સર ડિકેક્ટ થયો હતો, શરૂઆતમાં અમે અપસેટ થયા હતા, ત્રણ સર્જરી પછી હવે તબિયત સારી છે. બચવાની આશા નહોતી એ દર્દી હવે ડોક્ટરોની મહેનતને કારણે સારી રીતે જીવન જીવી શકે તેમ છે. દર્શન સોલંકીએ જણાવ્યું હતું કે, કવિતાને કેન્સર ડિટેક્ટ થયો હતો, હવે તબિયત સ્થિર છે, સમાજને સંદેશો આપતાં આ પરિવારે જણાવ્યું હતું કે, કેન્સરના નામે ખોટો હાઉ ઊભો કરાય છે પણ ડરવાની કોઈ જરૂર નથી. તમારી આસપાસના નકારાત્મક વિચાર વાળા લોકોને અળગા કરવાની જરૂર છે. મહત્ત્વની વાત એ છે કે, દર્દીને ખબર હતી કે, તેમને કેન્સર છે, એ જ્યારે સારવાર માટે ગયા ત્યારે પણ રીલ બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાત મૂકી હતી. અઘરું છે પણ કેન્સર મટી શકે છે. ચાલશે, મટી જશે તેવા પ્રકારનું વર્તન દાખવવું ન જોઈએ. પરિવારમાં પણ માહોલ એ પ્રકારનો રહ્યો હતો કે, કશું જ થયું નથી.
કેન્સર દર્દી માટે ફૂડ ચેનલ શરૂ કરવાનું સ્ટેજ મળ્યું
દર્દી કશ્યપભાઈના સ્વજને જણાવ્યું હતું કે, કેન્સર હોવા છતાં તેઓ હિંમત હાર્યા નહોતા, ઉલટાનું તેઓ હિંમત આપતાં હતા કે, તું પહેલી જવાની છે, હું તો રહેવાનો છું, મને કંઈ થવાનું નથી. આ કિસ્સામાં તો પરિણીતાને હાઉસ વાઈફમાંથી સોશિયલ મીડિયા પર ફૂડ ચેનલ બનાવવા સુધીનું સ્ટેજ પૂરું પાડયું છે. કેન્સર પેશન્ટ માટેની રેસિપીની ચેનલ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
પતિ ચહેરો ન જોઈ શકે તે એક સમયે ઘરમાંથી અરીસો કાઢી નાખ્યો હતો
દર્દી અબ્દુલહમીદ શેખના પત્ની મુસ્તકીમબાનુએ જણાવ્યું હતું કે, શરૂઆતની સર્જરી બાદ તેઓ હિંમત હારી ગયા હતા પણ એચસીજી ફાઉન્ડેશનનો તેમને સપોર્ટ મળ્યો હતો. તકલીફ ખૂબ પડી પણ તેને સહન કરવાની હિંમત પણ ઉપરવાળાએ આપી છે. ચૌધાર આંસુ સાથે તેમણે કહ્યું કે, ઘરમાં તેઓ ચહેરો જોઈ ન શકે તે માટે અરીસો કાઢી નાખ્યો હતો. આજે તેઓ સ્વસ્થ છે. સમાજને સંદેશો આપતાં મહિલાએ કહ્યું કે, કેન્સર ડિટેક્ટ થાય તો હિંમત હારતાં નહિ, યુવાનોએ તમાકુ-ગુટકા ખાવાનું છોડી દેવું જોઈએ, તકલીફ થશે તો સહન નહીં કરી શકો.


