- માર્કેટયાર્ડમાંથી ઘઉં, ચોખા અને ચણાનો બિનહિસાબી અનાજનો જથ્થો ઝડપાયો
- ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે તાજેતરમાં બનાસકાંઠાના દાંતા ખાતેથી
- રાહતદરનો અનાજનો મસમોટો જથ્થો ઝડપી પાડયા બાદ અન્ય શહેરોમાં તપાસ
ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે બનાસકાંઠાના દાંતા ખાતે ગત તા.1લી જાન્યુઆરીએ દરોડો પાડીને પકડી પાડેલ રૂ.40 લાખની કિંમતના ગેરકાયદેસર સસ્તા અનાજના જથ્થાને લઈને અન્ય શહેરોમાં તપાસ જારી રાખી હોય તેમ શનિવારે રાત્રે 10 કલાકે ઈડરના માર્કેટયાર્ડમાં આવેલી દુકાનો અને તેમના ગોડાઉનોમાં દરોડા કર્યા હતા,અને રવિવારે સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખતા ચાર જેટલી વેપારીઓની પેઢીઓમાંથી અંદાજે 40 લાખની કિંમતનો બિનહિસાબી જથ્થો મળી આવતા તમામ જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે પકડાયેલ સસ્તા અનાજના જથ્થા બાદ સાબરકાંઠા જિલ્લાના ઈડર એ.પી.એમ.સી સુધી તપાસનો રેલો આવ્યો હોય તે રીતે સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ગાંધીનગર જિલ્લાની પુરવઠા વિભાગની ટીમો ઇડર એપીએમસીમાં આવેલી પેઢીઓમાં શનિવારે રાત્રે 10 કલાકે અચાનક પહોંચી જઈને દરોડા કર્યા હતા અને શનિવારની આખી રાતથી લઈને બીજા દિવસ રવિવાર સાંજ સુધી સતત 18 કલાક કરતા પણ વધારે ચાલેલા સર્ચ ઓપરેશન દરમ્યાન કામગીરીમાં અંદાજે 40 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આમ ઈડરના માર્કેટયાર્ડમાં આવેલી દુકાનોમાંથી લાખોની કિંમતનો શંકાસ્પદ બિનહિસાબી જથ્થો મળી આવતા માર્કેટયાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, તમામ ડિરેકટર્સ સહિત માર્કેટયાર્ડના સંચાલન સામે સવાલો ઉઠયા છે. જેની પણ સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.ડો.કે.જી.પરમાર, રવિ કિરણ પટેલ અને રોહીતગીરી ગોસ્વામી (નિયામક અન્ન નાગરીક પુરવઠા, મદદનીશ નિયામક અને તપાસનીશ અધિકારી) સહિતના ત્રણ જિલ્લાની પુરવઠા ટીમોએ કરેલા દરોડા દરમ્યાન વેપારીઓની પેઢીઓના ગોડાઉનોમાથી લાખોનો ઘઉં ચોખા અને ચણાનો મુદ્દામાલ કબજે લઈને સીઝ કરી દેવાયો છે.
આમ,શંકાસ્પદ જથ્થો મળી આવતા માર્કેટયાર્ડમાં ચોખાનો કાળો કારોબાર ચાલતો હોવાનુ સામે આવ્યુ છે, ઇડર માર્કેટયાર્ડમા ચાલતી જુદી જુદી વેપારી પેઢીઓમા સરકારી અનાજના કાળા કારોબાર ચાલતો હોવાની સંભાવના સામે મામલતદાર, પ્રાંત અધિકારી સહિતનું સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેવી ચર્ચાએ જોર પકડયુ છે. દરમ્યાન એપીએમસી ચેરમેન અશોક પટેલે આવી રીતે ગોરખધંધા કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતુ. તો બીજી તરફ ગાંધીનગર એન્ફોર્સમેન્ટ અધિકારી અને ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમો આગામી સમયમાં વધુ દરોડાઓ કરીને અનાજના જથ્થાની તપાસ હાથ ધરનાર હોવાનુ સુત્રોએ ઉમેર્યુ હતુ.
ફેરિયાઓ રોકીને ગ્રાહકો પાસેથી અનાજ વેચાતું લેવાય છે?
કેટલાક વેપારીઓ દ્વારા વાહનો અને રીક્ષાઓ ભાડે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોનો સીધો સંપર્ક કરવામાં આવે છે અને તેમની પાસેથી ચોખા સહિતનો જથ્થો વેચાતુ લેવાય છે.બીજી તરફ એવુ પણ જાણવા મળ્યુ છે કે ગ્રાહકોના વપરાશ કરતા વધારે અનાજ સરકાર આપી રહી હોવાથી તેઓ રૂ.બે પ્રતિ કિલો લીધેલા ચોખા રૂ.25 પ્રતિ કિલો વેચીને ગ્રાહકો જ રૂ.23નો તગડો નફો રળી રહ્યા છે. આમ સરકારે પણ જથ્થાના મામલે જ ફેર વિચારણા કરવી જરૂરી છે.


