નકલી કચેરીને સરકારી તંત્રે આપ્યો અસલી દરજ્જો!
૧૨૧ પ્રોજેક્ટની મંજૂરી, કરોડોની ગ્રાન્ટ અને પછી EDનો ધડાકો
દાહોદમાં સિંચાઈ વિભાગની છ નકલી કચેરીઓ ઊભી કરી સરકારી તિજોરીને ચોપડયો ચૂનો : EDએ અબુબકર સૈયદ સહિતના આરોપીઓની ૨૨.૭૦ કરોડની મિલકતો જપ્ત કરી
અગ્ર ગુજરાત, દાહોદ
સરકારી કચેરી એટલે પ્રજા માટે સેવા અને વિકાસનું કેન્દ્ર, પરંતુ દાહોદમાં તો સરકારી તંત્રની જ નકલ ઊભી કરી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ હડપવાનો ખેલ ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. દાહોદમાં સિંચાઈ અને જળ સંસાધન વિભાગની એક-બે નહીં પરંતુ છ નકલી સરકારી કચેરીઓ ઊભી કરી સરકારી ભંડોળની ઉચાપત કરવામાં આવી હોવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે.
EDએ મુખ્ય આરોપી અબુબકર ઝાકીરઅલી સૈયદ, તેના પરિવારજનો અને સાથીદારો સાથે સંકળાયેલી કુલ રૂ.૨૨.૭૦ કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે. જપ્ત મિલકતોમાં સાત જમીનના ટુકડા, મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ તથા વિવિધ બેંક ખાતામાં રહેલી રકમનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું હોવાનું EDએ જણાવ્યું છે કે આરોપીઓએ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરી બનાવટી સીલ અને સહીઓનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટની મંજૂરી મેળવવાનો ખેલ રચાયો હતો. આ સમગ્ર કૌભાંડમાં ૧૨૧ નકલી પ્રોજેક્ટ મારફતે સરકારી ભંડોળ મેળવવામાં આવ્યું હોવાનો આરોપ છે.
આરોપીઓએ કથિત રીતે સરકારી તંત્રની કામગીરી જેવી જ વ્યવસ્થા ઊભી કરી હતી. નકલી કચેરીઓના નામે બેંક ખાતાં ખોલવામાં આવ્યા અને સરકારી વિભાગોમાંથી મળેલી રકમ સૌપ્રથમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી. ત્યારબાદ નાણાંને અલગ-અલગ મધ્યસ્થી ખાતાઓ મારફતે અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા ખાતાઓમાં ફેરવવામાં આવ્યા. EDની તપાસ મુજબ, નકલી સરકારી કચેરીઓના નામે ખોલવામાં આવેલા નવ બેંક ખાતાઓમાં સરકારી નાણાં જમા કરાયા હતા. ત્યારબાદ આ રકમ ૧૮ મધ્યસ્થી ખાતાઓમાં ટ્રાન્સફર થઈ અને ત્યાંથી આરોપીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ તથા સંસ્થાઓના ૧૧૮ અન્ય ખાતાઓમાં નાણાં પહોંચાડવામાં આવ્યા હતા.
સરકારી નાણાંની આ હેરફેર બાદ રકમનો ઉપયોગ મિલકતો ખરીદવા ઉપરાંત શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે કરવામાં આવ્યો હોવાનો EDનો દાવો છે. આમ, સરકારી ગ્રાન્ટના નામે મેળવાયેલા નાણાંને વિવિધ નાણાકીય વ્યવહારો મારફતે ખસેડી સંપત્તિ ઉભી કરવાનો પ્રયાસ થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
દાહોદના આ કથિત નકલી કચેરી કૌભાંડમાં સરકારી વિભાગની ઓળખ, અધિકારીઓની સહી-સીલ અને દસ્તાવેજોની નકલ કરીને જો ખરેખર કરોડોનું સરકારી ભંડોળ મેળવાયું હોય તો તે માત્ર નાણાકીય ગેરરીતિ નહીં પરંતુ સમગ્ર વહીવટી વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઊભો કરે છે. હવે EDની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી બાદ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને સરકારી નાણાંની અંતિમ મંઝિલ ક્યાં હતી તે અંગેની તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.
સરકારી કચેરી જ નકલી તો ચેક કોણે કર્યા?
દાહોદમાં સિંચાઈ વિભાગની છ નકલી કચેરીઓ ચાલતી રહી અને ૧૨૧ પ્રોજેક્ટને મંજૂરી મળ્યાનો આરોપ છે. સવાલ એ છે કે કચેરીનું સરનામું, અધિકારી, સહી, સીલ અને દસ્તાવેજોની ખરાઈ કરવાની જવાબદારી કોની હતી? જો નકલી કચેરી સરકારી તંત્રની નજરે ન પડી હોય તો વહીવટી ચકાસણી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
૧૨૧ પ્રોજેક્ટ…પણ સરકારી તંત્રને ખબર જ નહીં
૧૨૧ જેટલી છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ મારફતે સરકારી ભંડોળ મેળવાયું હોવાનો EDનો દાવો છે. આટલા પ્રોજેક્ટના કાગળો તૈયાર થયા, મંજૂરીની પ્રક્રિયા થઈ અને નાણાં પણ છૂટ્યા—પણ નકલી કચેરીઓનો પર્દાફાશ કેમ ન થયો? કાગળ પરની સરકારી વ્યવસ્થા કેટલી સજાગ છે તે હવે તપાસનો વિષય બન્યો છે.
નવ ખાતાંથી ૧૧૮ ખાતાં સુધી નાણાંનો ખેલ
સરકારી નાણાં પહેલાં નકલી કચેરીઓના નામે ખોલાયેલા નવ ખાતામાં, ત્યારબાદ ૧૮ મધ્યસ્થી ખાતામાં અને અંતે ૧૧૮ અન્ય ખાતામાં પહોંચાડાયા હોવાનો EDનો ખુલાસો છે. આટલી લાંબી મની ટ્રેલ છતાં તંત્રની નજર મોડે પડી હોય તો નાણાકીય મોનિટરિંગ સિસ્ટમની કાર્યક્ષમતા પર સવાલ ઊઠે તે સ્વાભાવિક છે.
સીલ નકલી, સહી નકલી…પણ સરકારી પૈસા અસલી
આ કૌભાંડનો સૌથી ચોંકાવનારો પાસો એ છે કે આરોપીઓએ સરકારી અધિકારીઓનો ઢોંગ કરી બનાવટી સીલ, સહીઓ અને દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનો આરોપ છે. અહીં વ્યંગ એ છે કે કાગળો નકલી હોવાના આરોપ વચ્ચે સરકારી તિજોરીમાંથી બહાર નીકળેલા રૂપિયા તો એકદમ અસલી હતા.
તંત્ર જાગ્યું ત્યારે રૂ.૨૨.૭૦ કરોડની મિલકત ઉભી
EDએ રૂ.૨૨.૭૦ કરોડની સ્થાવર-જંગમ સંપત્તિ જપ્ત કરી છે. જમીન, બેંકમાં રકમ અને મ્યુચ્યુઅલ ફંડ સુધી નાણાં પહોંચ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે સવાલ એટલો જ—જો તપાસ અગાઉ જ સક્રિય થઈ હોત તો સરકારી નાણાંની આટલી મોટી રકમ સંપત્તિમાં ફેરવાઈ શકી હોત?
કચેરી છ નકલી, પણ સરકારી સિસ્ટમ કેટલી અસલી?
એકાદ બનાવટી દસ્તાવેજ કે ખોટી સહી પકડાય તો તેને વ્યક્તિગત છેતરપિંડી કહી શકાય. પરંતુ છ નકલી સરકારી કચેરીઓ, ૧૨૧ પ્રોજેક્ટ અને કરોડોની રકમની હેરફેરના આરોપો સામે આવ્યા હોય ત્યારે આખી મંજૂરી અને ચકાસણી પ્રક્રિયાની જવાબદારી પણ તપાસવી જરૂરી બને છે. માત્ર આરોપીઓને પકડી લેવાથી નહીં, કૌભાંડ શક્ય બનાવતી તંત્રની ખામીઓ સામે પણ કાર્યવાહી થશે ત્યારે જ પ્રજાનો વિશ્વાસ પાછો આવશે.


