મનપાની સંકલન બેઠકમાં રોડ-રસ્તા, ગટર અને દુષિત પાણીના પ્રશ્નોની છડી
MP-MLA દ્વારા ઈ-પોર્ટલમાં આવેલા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવા મ્યુનિ.કમિશનરની અધિકારીઓને સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યઓ ડૉ. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓ ડૉ.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્નો/રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સુચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યો માટે ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગત ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત કરી શકે છે. સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથી ધારાસભ્યોને યોગ્ય જાણકારી મળી રહે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોર્ટલ/ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેના થકી કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્ન/રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગે સ્ટેટસ પણ જાણી શકાશે. મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા બનાવવામાં આવેલ ઇ-સંકલન પોર્ટલમાં MP-MLAઓ દ્વારા કરવામાં આવતી રજુઆતો અંગે સત્વરે સંબંધિત શાખા અધિકારીશ્રીને મેસેજ દ્વારા જાણકરી મળે છે તેમજ અધિકારી દ્વારા લગત રજુઆતો/પ્રશ્નના પ્રત્યુત્તર અપલોડ કર્યાની સાથે જ સંબંધિત MP-MLAઓને મેસેજ દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ શકે છે.
ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા બાંધકામ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ, લાઇબ્રેરી અને દબાણ હટાવ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા પ્રાણી રંજાડ, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, બાંધકામ અને ફૂડ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો/રજુઆતોનો સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


