રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી
રાજકોટના પ્રાંત અધિકારી ચાંદની પરમારની જૂનાગઢ બદલી : ભરતભાઈ ચાવડા, હર્ષવર્ધન જાડેજા અને પારસ વાન્દાને રાજકોટ જિલ્લામાં મહત્વની જવાબદારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શક અને વેગવંતું બનાવવાના ઉદ્દેશથી એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા (GAS) જુનિયર સ્કેલ વર્ગ-૧ સંવર્ગમાં ફરજ બજાવતા ૧૪૪ જેટલા ડેપ્યુટી કલેક્ટરોની તાત્કાલિક અસરથી સાગમટે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના સચિવ સચિન પટવર્ધન દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ વ્યાપક સત્તાવાર અધિક સૂચના બહાર પાડવામાં આવી છે.
આ વ્યાપક બદલીઓ અંતર્ગત રાજકોટ જિલ્લાના વહીવટી માળખામાં પણ મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પ્રાંત-૧ ના અધિકારી ચાંદની પરમારની જૂનાગઢ ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી ખાલી પડેલી રાજકોટ સિટી પ્રાંત-૨ ની જગ્યા પર તાપીથી બદલી કરીને ભરતભાઈ ચાવડાની નિયુક્તિ કરાઈ છે. રાજકોટ રૂરલ પ્રાંત ઓફિસર તરીકે પોરબંદરથી હર્ષવર્ધન જાડેજાને મુકવામાં આવ્યા છે. ગોંડલના પ્રાંત અધિકારી તરીકે સોમનાથથી પારસ વાન્દાને નવી જવાબદારી સોંપાઈ છે.
આ વ્યાપક ફેરબદલીમાં રાજ્યભરના પ્રાંત અધિકારીઓ, નાયબ DDO અને DSO કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ અગાઉ કરાયેલા કેટલાક બદલીના હુકમો રદ કરવા તેમજ કેટલાકમાં આંશિક સુધારા કરવાના પણ આદેશો અપાયા છે. રાજ્ય સરકારના આ નિર્ણાયક પગલાથી સમગ્ર મહેસૂલી અને જિલ્લા વહીવટી માળખામાં નવો સંચાર જોવા મળશે.


