રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ અને વિવિધ શાખાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે ગરિમાપૂર્ણ ધ્વજવંદન
દેશભક્તિ ભાષણનો નહીં પરંતુ આચરણનો વિષય છે; નવી પેઢીને ઇતિહાસથી અવગત કરાવવો જરૂરી: વક્તાઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૫ ઓગસ્ટ – સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની હેડ ઓફિસ તેમજ વિવિધ શાખાઓમાં ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભારત માતા અને સ્વ. શ્રી અરવિંદભાઈ મણિઆરની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.
સ્વાગત પ્રવચનમાં બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું કે દેશભક્તિ એ ભાષણનો નહીં પણ આચરણનો વિષય છે. સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોનું પાલન જેવા નાના કાર્યોથી પણ દેશભક્તિ દર્શાવી શકાય છે.
અતિથિ વિશેષ સુનિલભાઈ મહેતાએ (અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ-RSS) જણાવ્યું કે સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ આગળ વધવું જરૂરી છે અને નવી પેઢીને આપણા ઇતિહાસથી માહિતગાર કરવી જોઈએ. અતિથિ વિશેષ કિશોરભાઈ ખંભાયતાએ (ચેરમેન, ડ્યુનેક્સ ગ્રુપ) બેંક દ્વારા તેજસ્વી સંતાનોના પુરસ્કાર સહિતની વિવિધ સરાહનીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. RBIના નિયમ હેઠળ ઇન-ઓપરેટિવ બચત ખાતા ધારકોનો સંપર્ક કરી તેમની રકમ પરત અપાવવાની કામગીરી કરનાર બેંક કર્મચારીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કૃતગ્ન પંડ્યાએ અને આભારદર્શન સીએ. ભૌમિકભાઈ શાહે કર્યું હતું.


